ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત અને વેપારી વિભાગની ચૂંટણી માટે આજે મતદાન યોજાયું હતું. સવારે 9 વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થતાં મતદાન માટે લાઇનો લાગી હતી. સાંજે 5 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા યોજાયા બાદ આવતીકાલે મત ગણતરી હાથ ધરવામાં આવશે.
હાપા માર્કેટિંગ યાર્ડના 14 ડાયરેકટરો માટેની ચૂંટણીનો મતદાન આજરોજ યોજાયું હતું. યાર્ડમાં ખેડૂત વિભાગની 10 સિટો માટે 14 ઉમેદવારો તથા વેપારી વિભાગની 4 સીટ માટે 11 ઉમેદવારો સહિત કુલ 28 ઉમેદવારો ચુંટણી જંગમાં છે. આ માટે આજે સવારે પોલીસ બંદોબસ્ત વચ્ચે ઇન્ચાર્જ જિલ્લા રજીસ્ટ્રારની નિગરાની હેઠળ સવારે 9 વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. જેમાં સાંજે 5 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા યોજાશે. આ ચૂંટણીમાં ભાજપ દ્વારા પણ પેનલ ઉતારાઇ છે. જેને લઇ ભારે રસાકસી જામી છે.
ખેડૂત વિભાગમાં આહિર વસરામભાઇ રાઠોડ, કોરડીયા વિપુલ પટેલ, છૈયા અશ્ર્વિનભાઇ, જાડેજા ઉમેદસંગ, જાડેજા પ્રદયુમનસિંહ, જાડેજા મનહરસિંહ, ઝાલા જયપાલસિંહ દાવડ જેન્તીલાલ, દુધાગરા જમનભાઇ, ઘમસાણીયા ભૂપતભાઇ, પરમાર જીતેનભાઇ, ભિમાણી દયાળજીભાઇ, ભંડેરી જમનભાઇ, માંડવીયા વિઠ્ઠલભાઇ, સબાર જીલુભાઇ, સભાયા મુકુંદભાઇ તથા સોજીત્રા ચંદ્રેશભાઇ સહિત 17 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. આ ઉપરાંત વેપારી વિભાગમાં કોટેચા હિરેન, કોઠારી પ્રમોદકુમાર, ખાખરીયા પ્રવિણભાઇ, ગોહિલ ઘનશ્યામસિંહ, ઝાટીયા સુનિલભાઇ, નંદાસણા તુલસીભાઇ, ફલીયા અતુલકુમાર, ભંડેરી સંજયભાઇ, મહેતા વિરેશ, લૈયા કનુભાઇ તથા સાવલીયા જયેશ ચૂંટણી જંગમાં છે.
આ મતદાન પ્રક્રિયામાં 760 ખેડૂતો અને 110 વેપારીઓ સહિત કુલ 870 મતદારો મતદાન કરશે. એક ખેડૂત 10-10 મત અને એક વેપારી મતદાર 4-4 મત આપશે. ખેડૂત વિભાગમાં પૂર્વસાંસદ ચંદ્રેશભાઇ પટેલના પુત્ર તેમજ તાલુકા પંચાયતના બે સદસ્યો સહિત ભાજપાએ 10 ઉમેદવારોની પેનલ ઉતારી છે. જ્યારે વેપારી વિભાગની ચાર બેઠકો માટે ભાજપાની પેનલ અને અન્ય સાત ઉમેદવાર સહિત 11 ઉમેદવારો મેદાનમાં છે. વેપારી વિભાગમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વશરામભાઇ રાઠોડ ચૂંટણી જંગમાં છે. ત્યારે આવતીકાલે થનાર મત ગણતરી બાદમાં પરિણામમાં રાજકીય વિષલેશકોની મિટ મંડાયેલી રહી છે.