લોકસભા ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ભાજપે ઓપરેશન લોટસ શરૂ કર્યુ છે જેના પગલે કોંગ્રેસના ધારાસભ્યોથી માંડીને નેતા-કાર્યકરોએ કમલમ તરફ દોટ માંડી છે. એવી જાણકારી મળી રહી છે કે, ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા-વર્તમાન ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. આગામી દિવસોમાં કોંગ્રેસના વધુ સાતેક ધારાસભ્યો ગમે તે ઘડીએ પક્ષપલટો કરી શકે છે.
ગુજરાત કોંગ્રેસની દશા વધુને વધુ કફોડી બની રહી છે. છેલ્લાં પાંચેક વર્ષમાં જ કોંગ્રેસના 80થી વધુ ધારાસભ્યો પક્ષની વંડી ઠેકીને કેસરિયો ખેસ ધારણ કરી ચૂક્યા છે. 77માંથી 17 ધારાસભ્યો સુધી પહોંચેલી કોંગ્રેસ હજુય તુટતી જ જાય છે. સી.જે.ચાવડા અને ચિરાગ પટેલ રાજીનામુ આપી ચૂક્યા છે. હજુ સાતેક ધારાસભ્યો ગમે તે ઘડીએ પક્ષપલટો કરવાની ફિરાકમાં છે જેમાં બાબુ વાજા, રઘુ દેસાઇ, અમરીશ ડેર, ભીખાભાઇ જોશી, વિમલ ચુડાસમા, લલિત વસોયાનો સમાવેશ થાય છે. એવી ચર્ચા છે કે અર્જૂન મોઢવાડિયા અને શૈલેષ પરમારનું મંત્રીપદ માટે અટક્યુ છે. આ વાતને લઇને ભાજપ સાથે મડાગાંઠ પડી છે. જો આ રાજકીય સોદો ફાઇનલ થશે તો સાતેક ધારાસભ્યો સાથે કોંગ્રેસમાં સામૂહિક ભંગાણ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં જૂથબંધી વકરી છે ત્યારે કોંગ્રેસમાં જ ગણગણાટ છે કે, શક્તિસિંહ ગોહિલને અને મોઢવાડિયાને મોટા ઉદ્યોગગૃહોના આર્શિવાદ છે. બન્ને નેતાઓ પ્રજાલક્ષી કામોને બદલે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં ઉદ્યોગજૂથના કામોના લાયઝનમાં વ્યસ્ત બન્યા છે. જો આ જ પરિસ્થિતિ રહી તો, લોકસભાની ચૂંટણી અગાઉ ભાજપ કોંગ્રેસ યુક્ત અને ગુજરાત કોંગ્રેસ મુક્ત બની જશે તે આ વાત નક્કી છે. શક્તિસિંહ ગોહિલે ગુજરાત કોંગ્રેસની કમાન સંભાળ્યા બાદ કોંગ્રેસ વધુ તુટી રહી છે. ડેમેજ કંટ્રોલ કરવાને બદલે શક્તિસિંહ હજુય ધારાસભ્યો-નેતાઓની અવગણના કરી રહ્યાં છે. એટલુ જ નહી, ખુદ ધારાસભ્યો શક્તિસિંહને પ્રવાસી પ્રદેશ પ્રમુખ કહી રહ્યા છે કેમ કે, તેઓ દિલ્હીમાં જ પડ્યા પાથર્યા રહે છે. ગુજરાતમાં ય પ્રવાસના નામે અન્ય જિલ્લામાં ફરતા રહે છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીએ દેખા દેતા જ નથી. પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક સાથેની બેઠકમાં જ ધારાસભ્યો તો ઠીક, વિધાનસભાના વિપક્ષના નેતાને ય આમંત્રણ અપાતુ નથી. આમ, આંતરિક વિખવાદ ચરમસિમાએ છે ત્યારે ગુજરાત કોંગ્રેસની આ સ્થિતિ માટે પ્રવાસી પ્રદેશ પ્રમુખ જવાબદાર છે.