ધ્રોલ ગામમાં જોડિયાનાકા પાસે આવેલા મેમણ જમાતના કબ્રસ્તાનમાં ત્રણ શખ્સોએ પેવર બ્લોકના રોડની સાઇડમાં લગાડેલ ઇંટો અને બ્લોક તોડી નાખી પ્રૌઢને અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ ધ્રોલ ગામમાં જોડિયાનાકા પાસે આવેલા મેમણ જમાતના કબ્રસ્તાનમાં ગત તા.25ના બપોરના સમયે યાકુબ અબ્દુલ દોસાણી, આદમ સતાર દોસાણીના બે દીકરાઓ સહિતના ત્રણ શખ્સોએ એકસંપ કરી કબ્રસ્તાનમાં આવી અને પેવર બ્લોકનો રોડ બનાવેલ હતો તેની સાઇડમાં લગાડેલ ઇંટો તોડી નાખી બ્લોક ઉખેડી નાખ્યાં હતાં. ત્રણ શખ્સોએ આશરે 5000નું નુકશાન પહોંચાડી તોડ-ફોડ કરી હતી. જે સંદર્ભે ફિરોઝભાઇ અબ્દુલ રજાકભાઇ નાગાણી નામના પ્રૌઢ તથા અન્ય વ્યક્તિઓને યાકુબે તેના સબંધીની કબરની બાજુમાં રોડ બનાવવાની બાબતે જેમ ફાવે તેમ અપશબ્દો બોલી પતાવી નાખવાની ધમકી આપી હતી. ત્રણ શખ્સો દ્વારા કબ્રસ્તાનમાં તોડ-ફોડ કર્યાના બનાવ અંગેની ફિરોઝભાઇ દ્વારા જાણ કરાતા હે.કો.એચ.બી.સોઢિયા તથા સ્ટાફે ગુનો નોંધી ત્રણ શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.