અયોધ્યા ખાતે રામલલ્લાના મંદિરના નિર્માણનું સ્વપ્ન તમામ હિન્દુ ધર્મના લોકોનું ગઈકાલે સોમવારે પૂર્ણ થયું છે અને ભક્તિભાવપૂર્વક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વિધિ ભવ્ય રીતે સંપન્ન થઈ હતી. જેને વધાવવા માટે સમગ્ર દેશ ધર્મમય બની ગયો હતો. આ પ્રસંગે ખંભાળિયામાં પણ રામમય માહોલ છવાયો હતો અને ઠેર ઠેર પૂજન અર્ચન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
ખંભાળિયામાં નગર ગેઈટ પાસે આવેલા મ્યુનિસિપલ ગાર્ડન ખાતે ગઈકાલે બપોરે પ્રાણ પ્રતિષ્ઠાના લાઈવ પ્રસારણ બાદ આ સ્થળે ભગવાન શ્રી રામચંદ્રજીની અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં આરતી ઉતારી પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. જેમાં શહેર ભાજપના પ્રમુખ અનિલભાઈ તન્ના, યાર્ડના ડાયરેક્ટર પ્રભાતભાઈ ચાવડા, હરીભાઈ નકુમ, ઇન્દ્રજીતસિંહ પરમાર વિગેરે જોડાયા હતા.
અહીંની રામનાથ સોસાયટીમા ગરબી ચોક ખાતે ગતરાત્રે દીપમાળા, મહા આરતી તેમજ ભવ્ય આતશબાજીના અનેક કાર્યક્રમો સ્થાનિક યુવા કાર્યકરો દ્વારા યોજવામાં આવ્યા હતા. જેમાં રામ, લક્ષ્મણ હનુમાન, જાનકીના પહેરવેશ સાથે મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા.
શહેરના જુદાજુદા વિસ્તારોમાં રામ ભક્તોએ ચા, નાસ્તા વિગેરેનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું. વિવિધ મંદિરોને ખાસ રોશની તથા ડેકોરેશન વડે સુશોભિત કરવામાં આવ્યા હતા.
અહીંના મહાપ્રભુજીનગર 1 ખાતે સ્થાનિક રહીશો દ્વારા બાળકોને રામ-સીતા બનાવી અને સામૈયુ કરવામાં આવ્યું હતું. આ સાથે આરતી અને પૂજન-અર્ચન પણ કરવામાં આવ્યું હતું. આ સ્થળે ધનુષ, મંદિર શિખરની સુંદર રંગોળી તેમજ જય શ્રી રામ લખેલી દીપમાળા પ્રજવલિત કરવામાં આવી હતી.