જામનગર-કાલાવડ માર્ગ પર મોડપર ગામ નજીક પૂરપાટ આવી રહેલા ટ્રકના ચાલકે બે કારને ઠોકરે ચડાવી હડફેટ લેતા ત્રિપલ અકસ્માતમાં છ વ્યક્તિઓને નાની-મોટી ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા અને મૂળ ખારાવેઢા ગામના વતની હિતેશભાઇ આંબાભાઇ ભંડેરી અને તેના પિતરાઇ જયેશભાઇ ભંડેરી તેમના પરિવારો સાથે જુદી-જુદી બે કારમાં ખારાવેઢા ગામમાં લગ્નપ્રસંગે હાજરી આપી રાત્રિના સમયે જામનગર પરત ફરી રહ્યાં હતાં ત્યારે મોડપર ગામના પાટિયા પાસે પહોંચ્યા ત્યારે સામેથી પૂરપાટ બેફિકરાઇથી આવી રહેલા જીજે03એડબલ્યુ 4203 નંબરના ટ્રક ચાલકે પ્રથમ હિતેશભાઇની કાર નં.જીજે10ડીએન 2906ને ઠોકરે ચડાવી હતી અને ત્યારબાદ પાછળ આવી રહેલી જયેશભાઇ ભંડેરીની કાર નં.જીજે10ડીએન 4907 નંબરની કારને હડફેટ લેતા ત્રિપલ અકસ્માત થયો હતો. આ ત્રિપલ અકસ્માતમાં હિતેશભાઇ અને તેમના પત્ની તથા બાળકોને ઇજા પહોંચી હતી ત્યારે જયેશભાઇને પગમાં તથા તેમના પત્ની સંગીતાબેન અને હિતીશાબેન તથા ધ્રુવીક અને અનિલાબેન સહિતના છ વ્યક્તિઓને નાની-મોટી ઇજાઓ થઇ હતી.
અકસ્માતમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બનાવની જાણના આધારે હે.કો. ટી.બી.જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલે અને ઘટના સ્થળે પહોંચી જઇ હિતેશભાઇ ભંડેરીના નિવેદનના આધારે ટ્રકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.