ખંભાળિયા ગામમાં રહેતી મહિલાને તેણીના સાસરિયાઓ દ્વારા અવાર-નવાર શારીરિક-માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી. કલ્યાણપુર પંથકમાં રહેતી મહિલાને સિક્કા ગામમાં રહેતા સાસરિયાઓ દ્વારા લગ્નજીવન દરમ્યાન ઘરકામ બાબતે અત્યાચાર કરાતો હોવાની મહિલાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ પ્રથમ બનાવમાં ખંભાળિયામાં હુશેની ચોક વિસ્તારમાં રહેતી હુરબાઈ હુશેનભાઈ ગફારભાઈ ચમડીયા નામની 33 વર્ષની પરિણીત મહિલાને તેણીના લગ્ન જીવન દરમિયાન અહીંના બસ સ્ટેશન સામે રહેતા તેણીના પતિ હુશેન, જેઠ અયુબ, જેઠાણી આબેદા તથા સાસુ ફાતિમા ગફારભાઈ ચમડિયા દ્વારા મેણા ટોણા મારી, શારીરિક તથા માનસિક દુ:ખ ત્રાસ આપવામાં આવતો હોવાની ફરિયાદ અહીંના મહિલા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
બીજા બનાવમાં કલ્યાણપુર તાલુકામાં રહેતા અશોકનાથ લાલનાથ ગોસાઈની 42 વર્ષની પરણે પુત્રી રુપલબેન ઉર્ફે કવિતાબેન દીપકગીરી ભગવાનગીરી ગોસ્વામીને જામનગર તાલુકાના સિક્કા ગામે રહેતા તેણીના પતિ દીપક, સસરા ભગવાનગીરી પ્રતાપગીરી ગોસ્વામી, તથા સાસુ પુષ્પાબેન દ્વારા તેણીના લગ્ન જીવન દરમિયાન ઘરકામ બાબતે નાની-નાની વાતમાં શારીરિક તથા માનસિક ત્રાસ આપીને રૂપલબેનને તેણીના પતિ દ્વારા ઢીકાપાટુનો માર મારી, ત્રાસ આપ્યાની તથા ઘરમાંથી કાઢી મુક્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે સ્ત્રી અત્યાચારની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.