દેશ-વિદેશના પક્ષીઓ માટેના સ્વર્ગસમા ખીજડિયા પક્ષી અભ્યારણ્યમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક સંખ્યામાં ગાજ હંસનું આગમન થયું છે. છેલ્લાં પાંચ સાત વર્ષથી ખીજડિયાના મહેમાન બનતા આ હંસ 2017-2018 માં 50-60 ની સંખ્યામાં જોવા મળેલ ત્યારબાદ તેની સંખ્યામાં સતત વધારો થતો રહ્યો અને આ વર્ષે 4 થી 5 હજાર જેટલી વિશાળ સંખ્યામાં ગાજ હંસ ઉતરી આવ્યાનું અભ્યારણ્યના રેંજ ફોરેસ્ટ ઓફિસર દક્ષાબેન વઘાસિયા એ જણાવેલ છે..ખીજડિયા પક્ષી અભ્યારણ્યના પાર્ટ-1 માં ચોમેર ગાજ હંસના નાના મોટા ગુ્રપ જોવા મળી રહ્યા છે. આઈસલેન્ડ, નોર્વે, સ્વીડન, ડેનમાર્ક, ઉતરીય રશિયા, જર્મની સહિતના અનેક દેશોમાં સ્થાનિક ઉછરી પ્રજનન કરતું આ પક્ષી શિયાળો ગાળવા ઈરાક, પાકિસ્તાન, ચીન, બાંગ્લાદેશ અને ભારતમાં આવે છે. ગુજરાતમાં થોળ, વઢવાણ તરફના જળપ્લાવિત વિસ્તારોમાં મોટી સંખ્યામાં આવતા હોય જામનગરના ખીજડિયા પક્ષી અભ્યારણ્યમાં પ્રથમ વખત રેકોર્ડબ્રેક કહી શકાય તેવી સંખ્યામાં ગાજ હંસના આગમનથી ખીજડિયા પક્ષી અભ્યારણ્ય તેના અવાજથી ગુંજી રહ્યું છે. પાણીથી નજીકના ભેજવાળા મેદાનમાં રહેતું આ પક્ષી શાકાહારી છે. આગામી 27-28 જાન્યુઆરીના ખીજડિયા પક્ષી અભ્યારણ્ય ખાતે વેટલેન્ડ પક્ષી ગણતરીમાં આ પક્ષી સહિત તમામ પક્ષીઓની ગણતરી હાથ ધરવામાં આવશે.