ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે આવેલી એક ખાનગી કંપનીમાંથી થોડા દિવસો પૂર્વે કિંમતી એવી લોખંડની સપોર્ટની પ્લેટ ચોરી થયાનો બનાવ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાયો હતો. આ પ્રકરણ સંદર્ભે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા એલસીબી વિભાગને આપવામાં આવેલી સૂચના અંતર્ગત એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી તથા એસ.વી. ગળચરની ટીમ દ્વારા વિવિધ દિશામાં તપાસના ચક્રો ગતિમાં કરવામાં આવ્યા હતા.
આ કામગીરી દરમિયાન સજુભા જાડેજા, જેસલસિંહ જાડેજા તથા સહદેવસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે અત્રે શક્તિનગર વિસ્તારમાંથી પોલીસે ગાયત્રીનગર વિસ્તારના રહીશ વિનોદ રમેશ વઢીયારા, સિરાજ અસગર સુંભણીયા, જેબાર ઈશાક સુંભણીયા, અસલમ જુનસ સુંભણીયા, અને દાઉદ તાલબ ભાયા નામના પાંચ શખ્સોને દબોચી લીધા હતા.
પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 53,200 ની કિંમતની લોખંડની પ્લેટ, રૂ. 50,000 ની કિંમતનો છકડા રીક્ષા તેમજ રૂપિયા 20,500 ની કિંમતના પાંચ નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 123,700 નો મુદ્દામાલ કબજે કરી, આરોપીઓની વધુ તપાસ અર્થે તેઓનો કબજો ખંભાળિયા પોલીસને સોંપ્યો છે.