જામનગર તાલુકાના દોઢીયા ગામમાં રહેતી યુવતી જામનગરના ગાંધીનગર વિસ્તારમાં તેના મામાના ઘરે રોકાવા આવી હતી તે દરમિયાન છતના પંખામાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે કારણ જાણવા તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના દોઢીયા ગામમાં રહેતાં પાલાભાઈ રાજાભાઈ પીંગરસુર નામના પ્રૌઢની પુત્રી નિશાબેન પીંગરસુર (ઉ.વ.24) નામની યુવતી જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં મોમાઈનગર શેરી નં.3 ના છેડે રહેતાં તેના મામાના ઘરે રોકાવા આવી હતી. તે દરમિયાન મંગળવારે રાત્રિના સમયે ઓરડીની છતમાં લગાડેલા પંખામાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ અંગેની જાણ કરાતા 108 એમ્બ્યુલન્સની ટીમે સ્થળ પર પહોંચી જઈ યુવતીને તપાસી મૃત જાહેર કરી હતી. જેના આધારે મૃતકના પિતા પાલાભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ ડી. બી. લાખણોત્રા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી યુવતીએ કયા કારણોસર આત્મહત્યા કરી ? તે અંગેની તપાસ હાથ ધરી હતી.