જામનગર જિલ્લામાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા પાંચ પોલીસ કર્મચારીઓને ફરજમાં બેદરકારી સબબ પોલીસ વડા દ્વારા કડક પગલાં લઇ તાત્કાલિક અસરથી ફરજ મોકુફ કરવામાં આવતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાઈ ગયો છે.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા પોલીસકર્મી અને લોક રક્ષક દળના જવાનો બેદરકારી દાખવતા હતાં. જે અંગે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા કડક કાર્યવાહી અંતર્ગત હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા લોકરક્ષક વિપુલભાઇ દેવશીભાઇ શિયાળિયાએ એઆઈડીની તાલીમમાં ગેરહાજર રહી હુકમનો અનાદર કર્યો હતો. તેમજ લલીતભાઈ ચંદુભાઈ મકવાણા (લોકરક્ષકદળ), વનીતાબેન સોમાભાઈ વાઘેલા (પોલીસ કોન્સ્ટેબલ) તથા લોક રક્ષક પ્રશાંતભાઈ ખીમાભાઈ વસરા નામના ત્રણ પોલીસકર્મીઓ બ્યુગલરની તાલીમમાં રહ્યાં ન હતાં અને પોલીસ અધિક્ષકના આદેશનો અનાદર કર્યો હતો. તથા સીક્કા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંહ ગાંડુભા ચુડાસમા નામના પોલીસ કર્મીએ કેદી પાર્ટીની બજાવવા અંગે ઈન્કાર કરી આદેશનો અનાદર કર્યો હતો. ફરજમાં બેદરકાર એવા પાંચેય પોલીસકર્મીને પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા તાત્કાલિક અસરથી ફરજ મોકુખ કરવામાં આવતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાઈ ગયો હતો.