જામનગરની આણદાબાવા સંસ્થાની સરકારી ગ્રાન્ટેડ શાળામાં વિદ્યાર્થીઓને શિસ્તનું શિક્ષણ આપવા નિમાયેલી બે પ્રવાસી શિક્ષિકાઓ વચ્ચે બપોરના ભાગે શાળા છુટવાના સમયે ખુલ્લામાં મારામારી થતાં શાળા બહાર ઉભેલા બાળકોને તેડવા આવેલ વાલીઓ એકઠા થઈ ગયા હતા. બાદમાં દોડી આવેલા કેમ્પસ ડાયરેક્ટરે મામલો થાળે પાડયો હતો. આમ જેણે શિસ્ત શિખડવવાની છે. તેઓએ જાહેરમાં ગેરશિસ્તનું પ્રદર્શન કર્યાની ઘટના સામે આવી છે. ઘટના બાદ માથાકુટનું કારણ એક પ્રવાસી શિક્ષિકાના શાળામાં ભણતા ભાઈને લેસન મામલે બીજી પ્રવાસી શિક્ષિકાએ આપેલો ઠપકો હોવાનું બહાર આવ્યું છે.
લીમડાલાઈનમાં આવેલી સરકારી ગ્રાન્ટેડ શારદા મંદિર શાળાના પ્રાંગણમાં બપોરે સાડા બારના અરસામાં એક પ્રવાસી શિક્ષિકા પર બીજી પ્રવાસી શિક્ષિકાએ હુમલો કરતાં બંને વચ્ચે થયેલી માથાકુટમાં પાસેની ઇંગ્લીશ મીડીયમ શાળામાં ફરજ બજાવતા એક શિક્ષિકાના મંગેતરે આવીને મામલો થાળે પાડયો હતો. પરંતુ તે સમયે જ શાળા પાછળ રહેતા બીજી શિક્ષકાના પરિવારજનોએ લાકડી સાથે ધસી આવીને ફરી માથાકુટ શરુ કરી હતી. એક યુવતી તો લાકડી સાથે અન્ય શિક્ષિકાને મારવા દોડી હતી. પરંતુ શાળાના આચાર્યા અને અન્યો વચ્ચે પડતા હિંસા અટકી હતી. આ વેળાએ સ્થળ પર દોડી આવેલા કેમ્પસ ડાયરેક્ટર હેમાંગ પરિખે બંને પક્ષોને સમજાવીને વાતચીતથી મામલો પુરો કરવા સુચના આપી હતી. જે બાદ મામલો પુરો થયો હતો. આ અંગે કેમ્પસ ડાયરેક્ટરે જણાવ્યું હતું કે, જે ગેરસમજ હતી તે દુર થઈ છે. અમે કોઈને સસ્પેન્ડ કરવા જેવા પગલા લીધા નથી પરંતુ શાળામાં ગેરશિસ્ત નહીં ચલાવી લેવાય તે બાબતે કડક સુચના આપી છે.