જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી લુખ્ખા અને આવારા તત્વોનો ત્રાસ બેખોફ વધી રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને શહેરી વિસ્તારોમાં આવારા તત્વો બેફામ બની આતંક મચાવી રહ્યાં છે. ગઇકાલે શહેર નજીક ઢિંચડા રોડ પર આવેલા ડિફેન્સ કોલોનીમાં નજીવી બાબતે ચાર યુવાનો ઉપર ચાર શખ્સોએ ધોકા વડે હુમલો કરતાં ઇજાગ્રસ્તોને લોહી-લુહાણ હાલતમાં જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
બનાવની વિગત મુજબ જામનગર શહેરના ઢિંચડામાં આવેલા ડિફેન્સ કોલોની સુખી મોલ પાસે સોહિલ અખાણી અને તેનો મિત્ર મોઇન બેઠા હતાં તે દરમિયાન ધમો અને ભીખો ગઢવી નામના બે શખ્સો બાઇક પર પસાર થતાં સોહિલને ‘અહીં કેમ બેઠા છો’ તેમ કહી બન્ને યુવાનો સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો. બોલાચાલી બાદ ધમા ગઢવીએ ફડાકા મારી ગાળો કાઢતાં સોહિલનો પિતરાઇ સોહિલ પતાણી, અસગર અખાણી અને અબરાર ખાન સ્થળ પર દોડી આવ્યા હતાં. ત્યારે સામાપક્ષે પણ ધમા ગઢવીએ તેના બે મિત્રોને બોલાવી લીધા હતાં ત્યારબાદ ધમો ગઢવી સહિતના ચાર શખ્સોએ યુવાનો ઉપર લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવાનોને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ વાય.આર. જોશી તથા સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો. અને સોહિલ ઉંમર અખાણી નામના યુવાનના નિવેદનના આધારે પોલીસે ચાર શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.