એક શારીરિક તથા માનસિક અસ્વસ્થ મહિલા જામનગરના પવનચક્કી રોડ પર રાત્રીના સમયે એકલા બેઠા હોય જે બાબતની જાણ એક જાગૃત નાગરિકે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનને કરી હતી. જેથી સ્થળ પર પહોંચી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇને મહિલાની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી તેઓને જામનગર “સખી” વન સ્ટોપ સેન્ટર પર લઇ આવવામાં આવેલ અને જણાવેલ કે આ મહિલા ભૂલા પડી ગયેલ છે તેમજ અન્ય કોઈ પ્રતિસાદ આપી શકતા નથી તેમજ તેઓને પોતાનું સરનામું પણ યાદ નથી. તમામ વિગતો ધ્યાને લઈ મહિલાને “સખી’ વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય આપવામાં આવેલ અને સેન્ટરના કર્મચારીઓ દ્વારા આ મહિલાને યોગ્ય હુંફ અને શાંત્વના આપવામાં આવી.
ત્યારબાદ સેન્ટરના કર્મચારીઓએ મહિલાનું કાઉન્સેલિંગ કરતા જણાયું કે, બહેન ગભરાયેલ છે અને કોઈ યોગ્ય પ્રતિસાદ આપી શકતા નથી. આથી મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં પણ કર્મચારીઓને ખૂબ મુશ્કેલી ઉભી થઇ. સખી વન સ્ટોપના કર્મચારી દ્વારા મહિલાને પૂરતો સહયોગ અને આશ્વાશન આપવામાં આવ્યું અને બીજા દિવસે ફરી સેન્ટરના કર્મચારી દ્વારા મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યુ ત્યારે મહિલાએ જણાવ્યું કે તેઓ મૂળ જામનગરના વતની છે. તેઓને સંતાનમાં બે પુત્રો છે. મોટા પુત્રનું નામ અમિતભાઈ તથા નાના પુત્રનું નામ અલ્કેશભાઈ છે અને બહેન તેમના મોટા પુત્ર સાથે પવનચક્કી વિસ્તારમાં રહે છે અને તેઓ તેઓ જ્ઞાતિએ સુથાર છે.સેન્ટર દ્વારા મહિલા પાસેથી મળેલ માહિતીના આધારે તેમના પરિવારજનોને શોધવાનો પ્રયત્ન શરૂ કરેલ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને બહેનના પરિવારને શોધવાનો પ્રયાસ કર્યા હતા તથા સુથારસમાજના અગ્રણીઓને ફોન કરીને બહેન અંગે તપાસ કરેલ અને તેમના સમાજના ગૃપમાં બહેનનો ફોટો મોકલેલ, પરંતુ તેઓ પાસેથી જાણકારી મળી કે બહેનનું મુળગામ માધાપુર હોય, તેઓ પાસે પુરતું સરનામું કે મોબાઈલ નંબર ન હોવાથી પુરતી કોઈ જાણકારી મળી શકી નહી. ત્યારબાદ સેન્ટરના કેન્દ્ર સંચાલક દ્વારા બહેનને લઈને શહેરના ગોકુલનગર, કિશાનચોક અને પવનચક્કીના વિસ્તારોમાં બહેનના પરિવાર અંગે તપાસ કરી હતી.
આખરે ખંભાળીયા ગેટ પાસેની કનખરા સમાજની વાડી પાસે બહેનના પુત્રના મિત્ર દ્વારા બહેનની ઓળખ કરાયેલ અને પરિવારજનોને ફોન કરી જાણ કરવામાં આવેલ. જેથી થોડીવારમાં બહેનના બંને પુત્રો આવેલ અને ‘સખી’ વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક હેતલબેન દ્વારા બહેનના પુત્રો સાથે વાતચીત કરતા જાણવા મળેલ કે બહેન સાંજના સમયે ઘરેથી નીકળી ગયેલ અને તેઓ માનસિક રીતે અસ્વસ્થ હોવાથી ખૂબ શોધવા છતાં મળી શકેલ નહીં.આમ “સખી” વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક તથા કેસ વર્કર સેનીયર દિવ્યા દ્વારા મહિલાને તેઓના પુત્રોને સોંપી તઓનુ પરિવાર સાથે પુનઃમિલન કરાવેલ. અને તેમના માતા સહી સલામત મળી જતા તે બંને દીકરાએ ખુશ થઇને જામનગર સખી વન સ્ટોપ સેન્ટરના તમામ કર્મચારીઓનો હદયપૂર્વક આભાર વ્યકત કર્યો હતો.