Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરદેવભૂમિ દ્વારકામાં આવતીકાલથી બે દિવસીય મહાઉત્સવ

દેવભૂમિ દ્વારકામાં આવતીકાલથી બે દિવસીય મહાઉત્સવ

અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠન દ્વારા રસોત્સવ અંતર્ગત બે દિવસના ભવ્ય આયોજનો: યાત્રાધામ દ્વારકામાં 37 હજાર આહીરાણીઓનો મહારાસ યોજાશે : દોઢ લાખ જેટલો આહિર સમૂદાય સાક્ષી બનશે

- Advertisement -

વિશ્ર્વવિખ્યાત યાત્રાધામ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના પુત્રવધુ અને બાણાસુરના પુત્રી ઉષા રાસ રમ્યા હતા. તેની સ્મૃતિરૂપે આગામી 23-24 ડિસેમ્બરના રોજ અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠન દ્વારા યાત્રાધામના આંગણે મહારાસનું અતિ ભવ્ય આયોજન કરાયું છે. કૃષ્ણલીલાના દ્વારકા ખાતેના નોંધપાત્ર પ્રસંગો પૈકી એક એવા બાણાસુરની પુત્રી અને શ્રીકૃષ્ણના પૌત્ર અનિરૂધ્ધજીના પત્ની ઉષાએ તેમના લગ્ન બાદ દ્વારકા ખાતે જે ગરબો રચ્યો હતો, તેની સ્મૃતિ રૂપે શ્રીકૃષ્ણના યાદવ કુળના 37 હજાર આહીરાણીઓ દ્વારા ગરબો રચીને રાસ સ્વરૂપે ભગવાન દ્વારકાધીશના ચરણમાં અર્પણ કરાશે.

- Advertisement -

આ અંગે રાસ ગરબાના આયોજન માટે નોંધપાત્ર જહેમત ઉઠાવતા આહીર અગ્રણી મુળુભાઈ કંડોરીયાએ જણાવ્યું હતું કે દ્વારકાના સિમેન્ટ કંપનીના વિશાળ પટાંગણમાં નંદધામ પરિસર ખાતે યોજાનારા મહારાસ (ગરબા)માં જોડાવવા માટે વિશ્વભર ખાસ કરીને સૌરાષ્ટ્રના 37 હજારથી વધુ આહીરાણીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ સાથે વ્યવસ્થાપકોના જણાવ્યાનુસાર આ ઐતિહાસિક આયોજનમાં આશરે દોઢ લાખ જેટલા આહિર યાદવ સમાજના લોકો સમગ્ર વિશ્વભરમાંથી જોડાશે. જેઓ માટે રહેવા, ભોજન તેમજ પાર્કિંગ સહિતની તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે.

‘આ કાર્યક્રમ ભગવાન શ્રીકૃષ્ણએ જે સંસ્કારો આપ્યા છે, તેમજ સંસ્કૃતિમાં રાસનું મહત્વ વર્ણવ્યું છે, તે સંગીતમય સાધના સાથે પ્રેમ અને લાગણીની અભિવ્યક્તિ રજૂ થશે. સનાતન ધર્મનો મૂળ ઉદ્દેશ સંસ્કૃતિ ઉજાગર થાય અને આવતી પેઢીમાં સંસ્કાર અને પ્રાચીન સંસ્કૃતિનું સિંચન થાય તે હેતુથી આયોજન કરાયું છે. આ સમગ્ર આયોજન સમાજના મહિલાઓ દ્વારા થયું છે. જેને સમાજે સ્વીકારી પ્રોત્સાહન આપ્યું છે. આ ઐતિહાસિક આયોજનથી વિશ્વ રેકોર્ડ સ્થાપિત થવા જઈ રહ્યો છે.’

- Advertisement -

ત્યારે આજરોજ ગુરૂવારથી વિવિધ કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી છે. આજે બપોરે આહિર જ્ઞાતિના આગેવાનો, હોદ્દેદારો તેમજ નેતાઓએ દ્વારા દ્વારકાધીશ મંદિરથી રાસોત્સવ સ્થળ સુધી સફાઈ કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત શનિવાર તારીખ 23મી ના રોજ આ રાસોત્સવ કાર્યક્રમની શરૂઆત થશે જેમાં સાંજે ચાર વાગ્યાથી આમંત્રિતો તેમજ દાતાઓનું ભવ્ય સન્માન, ત્યાર બાદ સમૂહ પ્રસાદનું આયોજન થયું છે આ પછી શનિવારે રાત્રે 9 વાગ્યાથી જાણીતા કલાકાર માયાભાઈ આહીર સહિતના કલાકારોના લોક ડાયરા ઉપરાંત જ્ઞાતિના બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ શનિવારે રાત્રે રજૂ કરવામાં આવશે.

મુખ્ય આયોજનમાં રવિવાર તારીખ 24 મી ના રોજ સવારે 5 વાગ્યે બ્રહ્મ મુહૂર્તમાં દ્વારકામાં રુક્ષ્મણી માતાના મંદિરની પાછળના ભાગે આવેલા વિશાળ ગ્રાઉન્ડ ખાતે 37,000 થી વધુ આહીરાણીઓ પરંપરાગત પહેરવેશ પરિધાન કરીને રાસ રજૂ કરશે. આ રાસની સમાપ્તિ પછી ખૂબ જ વ્યવસ્થિત રીતે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં આ રાસ રજૂ કરવા શાંતિ યાત્રા કાઢશે અને વિશ્વના કલ્યાણ અર્થે શ્રીકૃષ્ણ સમક્ષ પ્રાર્થના કરવામાં આવશે. એ પછી સવારે 7 વાગ્યે આબુથી બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલયના બી.કે.ઉષાદીદી નારી તું નારાયણી” નો સંદેશ આપવા સાથે ગીતા સંદેશ પણ આપશે. આ સાથે ઉપસ્થિત તમામ લોકો તથા આમંત્રિતોને સમુહ પ્રસાદનું આયોજન પણ થયું છે

- Advertisement -

આ સમગ્ર આયોજનના પ્રારંભે આ મહારાણી રાસોત્સવની તૈયારીના ભાગરૂપે પ્રથમ કંકોત્રી ભગવાન દ્વારકાધીશના જગત મંદિર તથા સૌરાષ્ટ્રના તમામ મુખ્ય મંદિરોમાં આહીર સમાજના આગેવાનોએ ભગવાનને આ મહારાસમાં આમંત્રિત કર્યા છે. આ રાસોત્સવની તમામ કમાંડ ભગવાન દ્વારકાધીશ પોતે સંભાળે તેવી અરજ પણ કરવામાં આવી છે.

આ માટે આહિર સમાજના અગ્રણીઓ મુળુભાઈ કંડોરીયા, પ્રવિણભાઈ માડમ, ભગાભાઈ બારડ વિગેરેએ જણાવ્યું હતું કે, અનેક મહામુનીઓએ પોતાની હજારો વર્ષોની તપસ્યા થકી દર્શન કર્યા હતા. એ દિવ્ય મહારાસના દર્શન આ દિવસે ઉપસ્થિત સૌ જીવંત આંખોથી કરશે એ એક અહોભાગ્ય અવસર બની રહેશે. ભગવાન શ્રીકૃષ્ણના યાદવફુળના 37 હજાર આહિરાણીઓ આ મહારાસ ભગવાન કૃષ્ણની કર્મભૂમિ ઉપર જ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કરશે.

આ અતિ ભવ્ય કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રૂક્ષ્મણી મંદિર સામે આવેલા વિશાળ ગ્રાઉન્ડમાં આહિર સમાજની મહિલાઓ દ્વારા કાર્યક્રમ સ્થળ પર શ્રીફળ વધેરી અને મેદાનની સાફ-સફાઈ કરાઇ હતી.

આહિરાણીઓ પરંપરાગત પરિધાનમાં મહારાસ યોજશે : સાંસદ પૂનમબેન માડમ

 

અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠ્ઠન દ્વારા આગામી તા. 23 – 24ના મહારાસ અંગે અહીંના સાંસદ પુનમબેન માડમે જણાવ્યુ કે, વિશ્વભરમાંથી 37 હજાર જેટલી આહીરાણીઓ દ્વારા વિશ્વ કલ્યાણની ભાવના સાથે આહીર પરંપરાગત વેશભૂષા સાથે દિવ્ય મહારાસમાં જોડાશે.રાસના માધ્યમથી સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય તેવું આરાધ્ય દેવ દ્વારકાધીશ મુરલીધર પાસે અરજ કરશે. આ બિન રાજકીય ધાર્મિક મેળાવડામાં સમગ્ર આહીર સમાજ એકજુઠ થઇ ધર્મ કાર્યને પાર પાડશે જેમાં તેમને સમાજના દરેક વર્ગનો સહિયારો સાથ પ્રાપ્ત થઇ રહ્યો હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular