રાજ્યના જીએસટી વિભાગે રાજ્યવ્યાપી દરોડાઓ પાડી 53 કરોડથી વધુની કરચોરી પકડી પાડી છે. આ ઉપરાંત 67 પેઢીની તપાસ દરમ્યાન 37 બોગસ પેઢીઓ પણ મળી આવી છે. જેમાં જામનગરની એક પેઢીનો પણ સમાવેશ થાય છે.
સ્ટેટ જીએસટીની ટુકડીઓ દ્વારા તાજેતરમાં રાજયમાં જુદા-જુદા શહેરોમાં બોગસ પેઢીઓ દ્વારા કરચોરી કરવામાં આવતી હોવાની માહિતીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. જામનગર, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, મહેસાણા, ભૂજ, મોરબી, ભાવનગરની કુલ 67 પેઢીઓમાં તપાસ કરવામાં આવતા તેમાંથી 37 બોગસ પેઢીઓ મળી આવી હતી. આ પેઢી મારફત કુલ 341 કરોડનુ ટર્નઓવર કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. આ ટર્નઓવર દ્વારા 53 કરોડની જીએસટી ચોરી પકડી પાડવામાં આવી હતી. જામનગરમાં પણ પાંચ પેઢીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમ્યાન જીઆઇડીસી ફેસ-રમાં આવેલી એનએસ ઇમ્પેક્ષ નામની બ્રાસની પેઢીમાં 67 કરોડનું બોગસ બિલીંગ કૌભાંડ મળી આવ્યું હતું. બિલીંગ અને સ્ટોકનો મેળ નહીં ખાતા જીએસટી વિભાગ દ્વારા પેઢીના સંચાલકની ધરપકડ પણ કરવામાં આવી હતી.
રાજયમાંથી જે બોગસ પેઢીઓ પકડી પાડવામાં આવી છે તેમાં સ્ક્રેપ, ફેરસ, નોન ફેરસ મેટલ, સળિયા, ટેકસટાઇલ્સ કેમિકલ્સ, કોમોડિટીનો સમાવેશ થાય છે. જયાં ખોટી વેરાશાખ, પાસઓન કરવામાં આવી હતી.