દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. પોલીસ દ્વારા શનિવારે બરડા ડુંગર વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન બે સ્થળોએથી દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડી હતી. જો કે આ પ્રકરણના આરોપીઓ નાસી છૂટ્યાનું જાહેર થયું છે.
આ સમગ્ર પ્રકરણ અંગે એલ.સી.બી. સુત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ શનિવારે એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ ભાણવડ વિસ્તારમાં સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. અરજણભાઈ ચંદ્રવાડીયા, જયદેવસિંહ જાડેજા તથા પરેશભાઈ સાંજવાને મળેલી ચોક્કસ બાતમીના આધારે બરડા ડુંગર વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
અહીં આવેલી ભંડકનેસની જાર ખાતે તાડીવાળા નેસ ખાતે રહેતા ઓઘડ લાખા રબારી તથા નજીકના વિસ્તારમાં જાંબુડીનેસના રહીશ પાલા વેજા રબારી નામના શખ્સો દ્વારા ગેરકાયદેસર રીતે દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવવામાં આવતી હતી. આ સ્થળોએથી પોલીસે 50 લિટર દેશી દારૂ 6,000 લિટર દારૂ બનાવવાનો આથો તેમજ દેશી દારૂ બનાવવાના વિવિધ સાધનો મળી કુલ રૂપિયા 15,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જો કે આ દરોડા દરમ્યાન આરોપી ઓઘડ લાખા અને પાલા વેજા પોલીસને હાથ લાગ્યા ન હતા.
આ સમગ્ર પ્રકરણ અંગે ભાણવડ પોલીસે પ્રોહિ. એક્ટ મુજબ ગુનો નોંધી, આરોપીઓને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલ, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી અને એસ.વી. ચૌહાણ સાથે એ.એસ.આઈ. અરજણભાઈ ચંદ્રાવાડીયા, જયદેવસિંહ જાડેજા, ભરતભાઈ જમોડ, પરેશભાઈ સાંજવા તથા સચિનભાઈ નકુમ દ્વારા કરવામાં આવી હતી.