જામનગરમાં ગઈકાલે જામનગર વકીલ મંડળની ચૂંટણીમાં ઈતિહાસ સર્જાયો હતો. સતત 10મી વખત ભરત સુવાએ પ્રમુખ પદ જીતી લીધું હતું. આ ઉપરાંત જોઇન્ટ સેક્રેટરી, લાયબ્રેરી સેક્રેટરી અને ખજાનચી ચૂંટાઈ આવ્યા છે. વિજેતાઓની જીત બાદ હારતોરા અને ફટાકડા ફોડી લાલ બંગલે ઉજવણી રૂપે શોભાયાત્રા યોજાઈ હતી.
જામનગર બાર એસો. ચૂંટણીમાં કારોબારી સમિતિના સાત સભ્યો માટે આઠ ફોર્મ ભરાયા હતાં. જેમાંથી બે રદ્દ થતા છ સભ્ય બિનહરીફ થયા હતાં અને પ્રમુખપદ માટે હાલના અને 9 વખત ચૂંટાયેલા ભરતભાઈ સુવા અને અનિલ મહેતા, નયન મણિયાર મેદાનમાં હતાં. જ્યારે જોઇન્ટ સેક્રેટરી પદ માટે દીપ શૈલેષભાઈ ચંદારાણા, દિપકભાઈ ગચ્છર, જીતેન્દ્રભાઈ ગોસાઈ, લાઈબ્રેરી સેક્રેટરી તરીકે બ્રિજેશભાઈ ત્રિવેદી, રાહુલ ચૌહાણ, ખજાનચીપદ માટે એઝાઝ માજોઠી, અશરફઅલી ઘોરી, રૂચિર રાવલ ચૂંટણી જંગમાં હતાં.
કુલ 1218 મતદારોમાંથી 915 મતદારોએ મતદાન કરતા ચૂંટણીમાં 75.12 ટકા વોટીંગ નોંધાયું હતું.