જામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં લુખ્ખા તત્વોનો આતંક દિવસેને દિવસે વકરતો જાય છે. પોલીસની ધાક ન હોય તેમ લુખ્ખા તત્વો આતંક મચાવતા હોય છે. કાલાવડ નાકા બહારના વિસ્તારમાં યુવાને નશો કરવા માટે રૂપિયાની ના પાડતા શખ્સ છરી વડે જીવલેણ હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલા હુશેની ગેઈટ નજીક રહેતાં મોસીન હસન આરબ નામના યુવાન પાસેથી ગઈકાલે તેના જ વિસ્તારમાં રહેતા સલીમ ખાન નામના શખ્સે નશો કરવા માટે રૂપિયાની ઉઘરાણી કરી હતી. જે રૂપિયા આપવાની મોસીને ના પાડતા સલીમે ઉશ્કેરાઈને મોસીન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી. લુખ્ખા તત્વો દ્વારા કરાયેલા હુમલામાં ઘવાયેલ સલીમને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ ઘવાયેલા યુવાનના નિવેદનના આધારે ગુનો નોંધવા અને હુમલાખોરને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી.