જામનગર તાલુકાના નાઘુના ગામમાં રહેતો અને માનસિક બીમાર યુવાન તેના ઘરેથી ચાલ્યા ગયા બાદ એક માસ પછી હર્ષદપુરની સીમમાં આવેલા ડેમના કાંઠેથી મૃતદેહ મળી આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુના નાઘુના ગામમાં રહેતાં હમુભાઈ અરજણભાઈ પારીયા (ઉ.વ.45) નામના યુવાનને 2009 થી માનસિક બીમારી થઈ હતી. દરમિયાન યુવાન ગત તા.29 ના ઓકટોબરના રોજ તેના ઘરેથી નિકળી ગયો હતો. લાપતા થયેલા યુવાનને તેના પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ યુવાનનો પત્તો લાગ્યો ન હતો. દરમિયાન રવિવારે સવારના સમયે હર્ષદપુરની સીમમાં આવેલા રણજીતસાગર ડેમના કાંઠેથી એક યુવાનનો મૃતદેહ મળી આવતા હેકો એસ.એસ. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ હાથ ધરતા મૃતદેહ એક માસથી લાપતા થયેલા હમુભાઈનો હોવાની તેના ભાઈ કાના દ્વારા ઓળખ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.