કાલાવડ તાલુકાના સતિયા ગામમાં રહેતાં પ્રૌઢા અને તેના પતિ અગાઉ ખેતીની જમીનનું વાવેતર કરતા હોવાનું મનદુ:ખ રાખી બે શખ્સોએ પ્રૌઢા ઉપર લાકડાના ધોકો, ઢીકાપાટુનો માર મારી ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના સતિયા ગામમાં રહેતાં કુસુમબેન રવજીભાઈ ચૌહાણ (ઉ.વ.50) નામના પ્રૌઢા અને તેના પતિ રવજીભાઇ તેમના કુુટુંબી મગનભાઈની ખેતીની જમીનનું વાવેતર કર્યુ હતું. જે જમીન અગાઉ રાજકોટના નાના મૌવામાં રહેતાં દિનેશ ઉર્ફે દિલીપ અને તેનો પુત્ર ભાવેશ વાવતા હતાં. જેથી તે બાબતનું મનદુ:ખ રાખી ગત તા.4 ના રોજ સાંજના સમયે દિનેશ ઉર્ફે દિલીપ અમરશી ચૌહાણ અને તેનો પુત્ર ભાવેશ દિનેશ ચૌહાણ નામના બંને શખ્સોએ એકસંપ કરી પ્રૌઢા ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી ઢીકાપાટુનો માર મારી મુંઢા ઈજા પહોંચાડી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા પ્રૌઢાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે હેકો વી. જે. જાદવ તથા સ્ટાફે પિતા-પુત્ર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.