ખંભાળિયા શહેર તથા તાલુકાના ભાતેલ અને બારા ગામના રાજપુત જ્ઞાતિના વ્યક્તિઓ દ્વારા ગઈકાલે પગપાળા સંઘ સાથે માતાના મઢ (કચ્છ) ખાતે જવા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોના આગેવાનો, કાર્યકરો જોડાયા હતા.
આ વચ્ચે મહત્વની બાબત કહે છે કે ખંભાળિયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તથા રાજપુત જ્ઞાતિના અગ્રણી તેમજ રાજપુત સમાજના પૂર્વ પ્રમુખ ગીરીરાજસિંહ જાડેજાએ ગઈકાલે ખામનાથ મહાદેવ મંદિર પાસે આવેલા આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરી અને કચ્છ ખાતે માતાના મઢ સુધીની પદયાત્રા શરૂ કરી હતી. 77 વર્ષના ગીરુભા જાડેજા છેલ્લા આશરે ત્રણ દાયકા કરતાં વધુ સમયથી દર વર્ષે નવરાત્રીમાં પદયાત્રા કરીને ખંભાળિયાથી માતાના મઢ સુધી જાય છે. આશરે 450 કિલોમીટરની આ પદયાત્રા સાતેક દિવસમાં તેઓ પૂર્ણ કરે છે. ગઈકાલે તેમને વિદાય આપવા માટે અહીંના અગ્રણી વનરાજસિંહ વાઢેર, ઇન્દ્રજીતસિંહ પરમાર, કિર્તીભાઈ ભટ્ટ, દેવુભાઈ ગઢવી, વિગેરે જોડાયા હતા.
ખંભાળિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિરેન્દ્રસિંહ ઉમેદસિંહ જાડેજા તથા તેમની યુવા ટીમ દ્વારા છેલ્લા 22 વર્ષથી બારા ગામથી માતાના મઢ સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. તેમણે પણ ગઈકાલે પ્રસ્થાન કરીને જોગવડ માતાજીના દર્શન કરીને પ્રસ્થાન આગળ ધપાવ્યું હતું. ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામેથી પણ યુવાઓ દ્વારા છેલ્લા આશરે 16 વર્ષથી પદયાત્રા કરવામાં આવતી હોય તેમણે પણ આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરી આ પદયાત્રાનો પ્રારંભ કર્યો હતો.