ભારતની રાજધાની દિલ્લીમાં યોજાયેલી જી-20 સમિટ બાદ ભારત અને કેનેડાના સંબંધોમાં થોડી ખટાશ આવી હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે. ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડો જી-20માં એક મંચ પર એક સાથે હતા. જોકે, આ સમિટ બાદ ખાલિસ્તાની આતંકીના મોતને લઈને અચાનક સંબંધો જાણે બદલાયેલા બદલાયેલાં લાગી રહ્યાં છે. બન્ને દેશોએ એકબીજાના રાજદૂતો હકાલપટ્ટી કરી છે અને ટ્રાવેલ કરવા એડવાઈઝરી બહાર પાડી છે.
કેનેડા અને ભારત વચ્ચે હાલ કથળેલા રાજદ્વારી સંબંધો વચ્ચે ભારત સરકારે બુધવારે કેનેડા જનારા ભારતીયો માટે સાવચેતી દાખવવાની સલાહ આપતી એડવાઈઝરી પ્રસિદ્ધ કરતાં અત્યારે જેમના સંતાનો કેનેડામાં ભણી રહ્યા છે અથવા સગાં-સંબંધી કેનેડામાં રહે છે તેવા ગુજરાતીઓમાં થોડીક ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. એક અંદાજ મુજબ, દર વર્ષે ગુજરાતમાંથી 40 હજાર જેટલા વિદ્યાર્થીઓ કેનેડાની જુદી જુદી યુનિવર્સિટી-કોલેજમાં અભ્યાસ માટે જાય છે. આ ઉપરાંત, વર્ષોથી સ્થાયી થયેલા ગુજરાતીઓના પરિજનો પણ અંદાજે તેમની મુલાકાતે ત્યાં જતા હોય તેઓ પણ હવે કમ સે કમ વિચારણા કરતા થયા હોવાનું મનાય છે.
ચાલુ વર્ષે આખા વર્લ્ડમાંથી અંદાજે 9 લાખ જેટલા વિદ્યાર્થીઓએ કેનેડાની જુદી જુદી શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ મેળવ્યો હોવાનું જાણવા મળ્યું છે, જેમાથી 1 લાખ 85 હજાર એટલે કે, 20 ટકા જેટલા વિદ્યાર્થી માત્ર ભારતનાં છે. ભારતમાંથી સૌથી વધુ પંજાબ અને હરિયાણામાથી વિદ્યાર્થીઓ કેનેડા ભણવા માટે જાય છે.