કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામેથી બે દિવસ પૂર્વે નશાકારક કેપ્સ્યુલ સાથે ઝડપાયેલા આરંભડા તથા ભાટીયાના બે શખ્સોને પોલીસે રિમાન્ડ પર લીધા છે. જેમાં કેટલીક સિલસિલા બંધ વિગતો સામે આવી છે.
કલ્યાણપુર વિસ્તારમાં શુક્રવારે સ્થાનિક પોલીસ સાથે એસ.ઓ.જી. અને એલ.સી.બી. પોલીસની ચાલતી કામગીરી દરમિયાન સ્થાનિક પોલીસ સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઓખા મંડળના આરંભડા વિસ્તારમાં આવેલી આંખની હોસ્પિટલની પાછળના ભાગે રહેતા અને કર્મકાંડ કરતા અનિલ ઉમેશભાઈ બાબુભાઈ બાંભણિયા નામના 21 વર્ષના યુવાનને પોલીસે ભાટીયાના બસ સ્ટેન્ડ પાસેથી અટકાવી, ચેકિંગ કરતા તેની પાસેથી 1200 નંગ ટ્રામાડોલ કેપ્સ્યુલ મળી આવી હતી.
આ અંગે પોલીસે પૂછપરછ તથા વધુ ઊંડાણપૂર્વકની તપાસ કરતા ઉપરોક્ત શખ્સ આરંભડાથી ભાટીયા ખાતે નશાકારક ટ્રામાડોલ નામની કેપ્સ્યુલ લેવા આવ્યો હતો અને તેને નશો કરવાની ટેવ હોય તેવા ગ્રાહકોને વેચાણ કરતો હતો. આથી પોલીસે રૂપિયા 8,850 ની કિંમતની નશાકારક ટ્રામાડોલ કેપ્સ્યુલનો જથ્થો કબજે કરી, તેની સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણમાં સ્થાનિક પી.એસ.આઈ. યુ.બી. અખેડ દ્વારા વધુ પૂછપરછ તથા તપાસ કરવામાં આવતા આ કેપ્સ્યુલ તેણે ભાટીયા ખાતે રહેતા અને બેસ્ટ મોબાઈલ નામથી દુકાન ધરાવતા રવિ રામભાઈ કરમુર પાસેથી લીધી હોવાનું જણાવતા પોલીસ સાથે રવિ કરમુર પાસેથી ટ્રામાડોલ નામની રૂ. 5,723 ની કિંમતની 776 કેપ્સ્યુલ તથા કોડેઈનયુક્ત કફ સીરપની 32 બોટલ કબજે કરી હતી. ફાર્મસી અંગેનું લાયસન્સ ધરાવતા રવિ કરમુર અગાઉ માલધારી નામની મેડિકલ શોપ ધરાવતો હતો. હાલ તે મોબાઈલની દુકાનમાં દવા વેચતો હોવા ઉપરાંત મોબાઈલ નિભાવ અંગેનું રજીસ્ટર ન નિભાવતો હોવાનું પણ વધુમાં જાહેર થયું છે.
આ પ્રકરણમાં તપાસનીસ અધિકારી પી.એસ.આઈ. યુ.બી. અખેડ દ્વારા આરોપી શખ્સોને સ્થાનિક અદાલતમાં રજૂ કરી, રિમાન્ડની માંગણી કરતા અદાલતે આરોપી અનિલ બાંભણિયાના ત્રણ દિવસના તથા રવિ કરમુરના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
આ સમગ્ર કામગીરીમાં જિલ્લાના ઈન્ચાર્જ એસ.પી. રાઘવ જૈનની સૂચના મુજબ એસ.ઓ.જી. પી.આઈ. પી.સી. સીંગરખીયા સાથે પી.એસ.આઈ. કે.એમ. જાડેજા તેમજ કલ્યાણપુર અને એસ.ઓ.જી. પોલીસ દ્વારા કરવામાં આવી હતી.