દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રમાતા શ્રાવણી જુગાર પર કડક હાથે કામગીરી કરવા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા કરવામાં આવેલી સૂચના અંતર્ગત જિલ્લાના તમામ ચાર તાલુકાઓમાં પોલીસ તંત્ર દ્વારા જુગારીઓ પર ધોંસ બોલાવી, સોમવારે કુલ 13 સ્થળોએ જુગાર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 10 મહિલાઓ સહિત કુલ 41 શખ્સોને ઝડપી લઇ, મુદામાલ કબજે લેવામાં આવ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીના માર્ગદર્શન હેઠળ ગતરાત્રે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ હેમતભાઈ નંદાણીયા, જેઠાભાઈ પરમાર તથા યોગરાજસિંહ ઝાલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં આવેલા એક મંદિરની પાછળના ભાગે રહેતા સામત મોમા ચાવડા નામના શખ્સ દ્વારા સંચાલિત જુગારના અખાડા પર દરોડો પાડી, આ સ્થળેથી પોલીસે સામત મોમા ચાવડા, ગોકર ભોજા કારેઠા, ભરત સુરા રૂડાચ, હસમુખ મોહનલાલ બારાઈ, મુના જાદા મુંધવા અને બોદા ગાંગા પરમાર નામના છ શખ્સોને ઝડપી લઈ રૂપિયા 44 હજાર રોકડા તેમજ રૂા. 20 હજારની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 64 હજારનો મુદ્દામાલ કબ્જે કરી અહીંના કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ નટુભા જાડેજાએ ધોરણસર ફરિયાદ નોંધાવી છે.
ખંભાળિયાના લાલપરડા ગામે આવેલા એક મંદિર પાસે રાત્રિના સમયે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા દેવશી નગા ડુવા, વીરા જેસા પિંડારિયા, જેસા સવદાસ નંદાણીયા, પરબત વીરા પિંડારીયા અને પરબત નાથા પિંડારિયા નામના પાંચ શખ્સોને રૂપિયા 3,120 ના મુદ્દામાલ સાથે ભગવતી હોલ પાસે પાડવામાં આવેલા જુગાર દરોડામાં જીતુ મનસુખ સોલંકી, જીતેશ ભીખા ગોદડીયા, કાના ભનુ ગોદડીયા અને વિક્રમ વિનોદ ગોદડીયાને રૂપિયા 4,520 ના મુદ્દામાલ સાથે જ્યારે અહીંના એસટી બસ સ્ટેશન પાસેથી ધીરજલાલ નાનજીભાઈ પાઉંને વરલી મટકાનો જુગાર રમતા પોલીસે ઝડપી લીધો હતો.
કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે આવેલા દરબારપાડા વિસ્તારમાંથી પાંચ મહિલાઓને તેમજ આ સ્થળે અન્ય એક દરોડામાંથી પાંચ મહિલા મળી કુલ 10 મહિલાને પોલીસે જુગાર રમતા ઝડપી લીધા હતા.
ભોગાત ગામેથી કારૂ પીઠા ભાટીયા, કારા રામા કરંગીયા, દેશુર હરદાસ સુવા અને વકુ કાના કંડોરીયાને નામના ચાર શખ્સો તેમજ કલ્યાણપુરના ગુલાબનગર વિસ્તારમાંથી માલદે હીરા વાઘેલા, બાબુ જેરામ વાઘેલા અને રમેશ ઈસ્માઈલ કાપડી નામના ત્રણ શખ્સો તીનપત્તીનો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા.
ઓખાના ગાંધીનગરી વિસ્તારમાંથી સાદીયા આસપાર માણેક તેમજ દ્વારકાના શાક માર્કેટ ચોક પાસેથી ઈબ્રાહીમ ભીખુ ભીખલાણી નામના બે શખ્સોને પોલીસે વરલી મટકાનો જુગાર રમતા તથા નરસંગ ટેકરી વિસ્તારમાંથી નાગશીભા બુધાભા સુમણીયા અને લાખા ડાડુ સલાટ નામના બે શખ્સોને ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમતા પોલીસે ઝડપી લીધા હતા.
ભાણવડ તાલુકાના વેરાડ ગામેથી કિશન જીતુ મકવાણા, નંદલાલ રાજશી રાઠોડ, કાંતિ ઉકા પરમાર, રામા નાનજી ચૌહાણ અને રામા બચુ ચૌહાણ નામના પાંચ શખ્સોને તેમજ મીઠાપુરના આરંભડા સેમ વિસ્તારમાંથી જેસલ અજુ માંગલીયા, ડેરાજ ગોદળ માંગલીયા અને કિશન રાજુ માંગલીયા નામના ચાર શખ્સોને સ્થાનિક પોલીસે જુગાર રમતા ઝડપી લઇ, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.