પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર 77માં સ્વતંત્રતા પર્વ પર ધર્મભક્તિ અને રાષ્ટ્રભક્તિનું સંગમ સ્થાન બન્યું હતું. સોમનાથ મંદિરને કેસરી, સફેદ, અને લીલી રોશનીથી ત્રીરંગો રચાય તે રીતે સુશોભિત કરવામાં આવ્યું હતું. મંદિર પરિસરમાં પ્રવેશની સાથે જ શ્રદ્ધાળુઓને શિવભક્તિની સાથે રાષ્ટ્રભક્તિનું રસપાન સોમનાથ તીર્થનું વાતાવરણ કરાવી રહ્યું હતું. સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કરીને ભક્તોએ સાચા અર્થમાં ધર્મભક્તિ અને રાષ્ટ્રભક્તિને એક થતી જોઈ હતી.
સોમનાથ જ્યોતિર્લિંગ પર ચરણ થી લઈને શિવલિંગ સુધી કેસરી સફેદ અને લીલા પુષ્પો અને પર્ણો તેમજ ત્રિરંગા કપડાથી સુશોભન કરવામાં આવ્યું હતું. જ્યોતિર્લિંગ પર ભારત દેશના નકશા ની સાથે ત્રીરંગા સુશોભિત કરવામાં આવ્યા હતા. જ્યોતિર્લિંગના કેન્દ્રમાં ત્રિરંગા બિલ્વપત્ર નિર્માણ કરવામાં આવ્યું હતું. સમગ્ર શૃંગારને દેશના રાષ્ટ્રધ્વજ અનુસાર ત્રિરંગા થીમ ઉપર સુશોભન કરવામાં આવ્યું હતું.
ધાર્મિક અને ઐતિહાસિક દ્રષ્ટિએ શ્રી સોમનાથ મંદિરનો ભારતની સ્વતંત્રતા સાથે અતૂટ સંબંધ છે. આપણા દેશની સ્વતંત્રતાની સાથે જ સોમનાથ મંદિરના પુન: નિર્માણના સ્વપ્નના બીજ રોપાયા હતા. અને આજે જ્યારે ભવ્ય સોમનાથ મંદિરની ધ્વજા આકાશમાં ફરકી રહી છે ત્યારે આપણો દેશ પણ વિશ્વભરમાં પ્રેરણા સ્ત્રોત બની નેતૃત્વ કરી રહ્યો છે. અનેક બુદ્ધિજીવીઓએ અને વિચારકોએ સોમનાથ મંદિરને સ્વતંત્ર ભારતની અસ્મિતા કહ્યું છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્વતંત્રતા પર્વની શ્રી સોમનાથ મંદિર ખાતે ગરિમામય ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે મંદિર પર ત્રિરંગા રોશની અને મહાદેવને ત્રિરંગા શૃંગાર કરવામાં આવેલ. 17 ઓગસ્ટ થી શિવભક્તિનો મહાઉત્સવ એવો પવિત્ર શ્રાવણ માસ પ્રારંભ થવા જઇ રહ્યો છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શ્રાવણ માસમાં માનવ મહેરામણ ઉમટશે. દેશ વિદેશથી સોમનાથ મહાદેવના દર્શને લાખો શ્રદ્ધાળુઓ પહોચવાના છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં યાત્રીઓને ઉત્તમ દર્શન અનુભવ પૂરો પાડવા માટે કટિબદ્ધ છે. યાત્રીઓ માટે બહુસ્તરીય વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. રેહવા જમવાની સુવિધાઓથી લઈ દર્શન તેમજ પ્રસાદની વ્યવસ્થા, સિનિયર સિટીઝન અને દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાઓ સહિતની અનેકવિધ સુવિધાઓમાં શ્રાવણ માસમાં વિશેષ વધારો કરવામાં આવ્યો છે.
ગત વર્ષે શ્રાવણ માસ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. આ વખતે યાત્રીઓની સંખ્યા ગત વર્ષ કરતાં નોંધપાત્ર માત્રામાં વધવાની સંભાવના છે. સોમનાથ ટ્રસ્ટના અતિથિગૃહના રૂમો નું ઓનલાઇન બુકિંગ માત્ર સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટ પરથી જ થઈ શકશે. શ્રદ્ધાળુઓ પોતાના પ્રવાસ માટે એડવાન્સ બુકિંગ કરી શકે છે.
શંખ સર્કલ થી સોમનાથ આવતા માર્ગ ને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા હેઠળ વન વે કરવામાં આવ્યો છે. આવનાર વાહનો પાર્કિગમાંથી પાછળના ભાગે સદભાવના ગ્રાઉન્ડ તરફના માર્ગ પરથી બહાર નીકળશે. પાર્કિંગ માં સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રી કેન્દ્ર બનાવવામાં આવશે જ્યાંથી લોકોને સૂચનાઓ તેમજ મંદિર સુધી જવા માટે નિશુલ્ક વાહન વ્યવસ્થા કરી આપવામાં આવશે.
સોમનાથ મંદિરની બહાર સ્વાગત કક્ષ હેલ્પ ડેસ્ક બનાવવામાં આવ્યું છે જે યાત્રીઓને કોઈપણ મદદ માર્ગદર્શન પૂરું પાડશે. વૃદ્ધો અને દિવ્યંગો માટે વ્હીલ ચેર પણ પૂરી પાડવામાં આવશે. તેમજ અહીથી સિનિયર સિટીઝન અને દિવ્યાંગ માટે ગોલ્ફ કાર્ટ ની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવશે. પ્રવેશ વ્યવસ્થા એ રીતે રાખવામાં આવી છે જેમાં યાત્રીઓને પ્રથમ પોતાનો સમાન કલોક રૂમમાં જમાં કરાવી દર્શનની લાઈનમાં જવાનું રહેશે, તેમજ આ લાઈનમાં જ નિ:શુલ્ક જૂતાઘર વ્યવસ્થા પણ છે.
મંદીરના પ્રવેશ અને નિકાસ માર્ગો પર હાઇ ક્વોલિટી ટેન્ટ લગાડીને સોમનાથ ટ્રસ્ટ દ્વારા વરસાદ અને તડકાની પરિસ્થિતિમાં યાત્રીઓને અગવડ ન પડે તેની કાળજી રાખી છે.શ્રાવણના પ્રથમ દિવસે શ્રાવણ સુદ એકમ તા.17/08/2023 ગુરૂવાર ના રોજ સવારે 7-30 મહામૃત્યુંજય યજ્ઞ પ્રારંભ કરવામાં આવશે તેમજ સવારે 7-45 વાગ્યે સવાલક્ષ બિલ્વપૂજા પ્રારંભ થશે સવારે 8-00 વાગ્યે નુતન ધ્વજારોહણ કરવામાં આવશે.