જામનગર શહેરના લીમડાલાઈન વિસ્તારમાં ડીસ કનેકશનનું કામ કરતો યુવાન એમ્પ્લીફાયર તપાસવા ગયો તે દરમિયાન વીજશોક લાગતા બેશુધ્ધ થઈ જતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં રહેતા વૃદ્ધનું પડી ગયા બાદ તબિયત લથડતા સારવાર દરમિયાન મોત થયું હતું.
બનાવની વિગત મુુજબ પ્રથમ બનાવ જામનગર શહેરના સુભાષ શાકમાર્કેટ લંઘાવાડના ઢાળિયા વિસ્તારમાં રહેતો જીતેનભાઈ રસિકભાઈ કુંભારાણા (ઉ.વ.40) નામનો યુવાન બે દિવસ પહેલાં બપોરના સમયે લીમડાલાઈન વિસ્તારમાં આવેલા માધવ કોમ્પલેક્ષમાં અગાસી પર ડીસ કનેકશનનું કામ કરતો હતો તે દરમિયાન નોડએમ્પ્લીફાયર તપાસવા જતા વીજશોક લાગતા બેશુદ્ધ થઈ ગયો હતો. ત્યારબાદ યુવાનને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ સંદિપના નિવેદનના આધારે હેકો જે એચ મકવાણા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના શંકરટેકરીમાં વલ્લભનગર વાલ્મિકીવાસમાં રહેતાં લાલજીભાઈ જીવાભાઈ કબીરા (ઉ.વ.61) નામના વૃધ્ધનો પગ લપસી જતા પડી જવાથી પગમાં ફેકચર થયા બાદ શનિવારે સવારના સમયે તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે મૃતકના પુત્ર ભરતભાઈ દ્વારા જાણ કરાતા હેકો એચ.એ. પરમાર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.