જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલી સુપ્રિમ હોટલની પાછળના વિસ્તારમાં ગેસ ભરેલા ટેંકરમાંથી ગેસના ખાલી બાટલામાં રીફીલીંગ કરાતા સ્થળે એસઓજીની ટીમે રેઈડ દરમિયાન 74.31 લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સોને ઝડપી લઇ સાત શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ગેસના ટેંકરમાંથી ખાલી બાટલામાં રીફીલીંગ કરાતું હોવાનું પીએસઆઈ જે.ડી. પરમારને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ બી.એન. ચૌધરી અને ઈન્ચાર્જ પીઆઈ જે.વી. ચૌધરીની સુચનાથી પીએસઆઈ જે.ડી.પરમાર તથા સ્ટાફે રેઇડ દરમિયાન ગેસ ભરેલા ટેન્કરના વાલ્વ બોકસનું શીલ તોડી રબ્બરના પાઈપ દ્વારા ખાલી બાટલામાં ગેસ રીફીલીંગ કરાતું હતું.
એસઓજીની ટીમે રેઈડ દરમિયાન રત્ના દેવાયત મોરી (જોજરીનેશ, દ્વારકા), મનિષ અરશી ઓડેદરા (જમુસર, દ્વારકા), સામત માયા હુણ (જામજોધપુર), સુદેશ નાનોરામ દીગરા (જમ્મુકાશ્મીર), કરણસિંહ ચતુરસિંહ (રાજસ્થાન) નામના પાંચ શખ્સોને ઝડપી લઇ પોલીસે તેમની પાસેથી રૂા.68,000 ની કિંમતના ગેસ ભરેલા અને ખાલી 56 નંગ બાટલા તથા રૂા.68,19,748 ની કિંમતના ગેસ ભરેલા બે ટેંકર તેમજ પાંચ લાખની કિંમતની મહીન્દ્રા પિકઅપ વાહન ઉપરાંત 25 હજારની કિંમતના પાંચ મોબાઇલ અને રૂા.16,500 ની રોકડ રકમ તથા રૂા.2550 નો અન્ય મુદ્દામાલ મળી કુલ રૂા.74,31,798 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા આ ગેસ રીફીલીંગ કૌભાંડમાં શેખપાટ ગામના વનરાજસિંહ સોઢા અને રાજકોટના ભાણો નામના બે શખ્સોની સંડોવણી ખુલ્લી હતી. જેના આધારે એસઓજીની ટીમે સાત શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.