Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતખંભાળિયામાંથી ઝડપાયેલા આલ્કોહોલ મિશ્રિત અનઅધિકૃત આયુર્વેદિક પીણા પ્રકરણમાં પોલીસ દ્વારા અમદાવાદ સ્થિત...

ખંભાળિયામાંથી ઝડપાયેલા આલ્કોહોલ મિશ્રિત અનઅધિકૃત આયુર્વેદિક પીણા પ્રકરણમાં પોલીસ દ્વારા અમદાવાદ સ્થિત ફેક્ટરી ઝડપાઈ

ઉત્પાદક સહિત ત્રણ શખ્સોની ધરપકડ  : રૂપિયા 21.12 લાખનો મુદ્દામાલ કબજે

- Advertisement -
ખંભાળિયા શહેરમાંથી આશરે દસ દિવસ પૂર્વે પકડાયેલી આયુર્વેદિક સીરપની બોટલોમાં આલ્કોહોલનું પ્રમાણ હોવાને શંકા સાથે પોલીસ દ્વારા કરવામાં આવેલી ઊંડાણપૂર્વકની તપાસ બાદ આ પ્રકરણમાં અમદાવાદમાં એક શખ્સ દ્વારા ચાંગોદરમાં ઊભી કરવામાં આવેલી ફેક્ટરીમાં આલ્કોહોલયુક્ત આયુર્વેદિક સીરપની આડમાં ગેરકાયદેસર રીતે આલ્કોહોલયુક્ત પીણાનું ઉત્પાદન તથા વેચાણ થતું હોવા અંગેના સમગ્ર પ્રકરણ પરથી પડદો ઉચકાયો છે.
આ સમગ્ર પ્રકરણની દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી સિલસિલા બંધ વિગત મુજબ ખંભાળિયાના જોધપુર ગેઈટ વિસ્તારમાં ગત તારીખ 26 જુલાઈના રોજ રાત્રિના સમયે પાર્ક કરવામાં આવેલા આઈસર ટ્રકમાં પોલીસે ચેકિંગ કરતા આ ટ્રકમાંથી સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ યુક્ત “કાલ મેઘસવા” નામની સીરપની 4,000 બોટલ મળી આવી હતી. તે અંગે પોલીસને શંકા જણાતા રૂ. 5.96 લાખની સીરપ તથા ત્રણ લાખનો ટ્રક મળી કુલ રૂપિયા 8.96 લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો.
આ પ્રકરણમાં સુનિયોજિત કાવતરું રચી, ખોટા દસ્તાવેજ કરી આલ્કોહોલ યુક્ત આયુર્વેદિક દવાની આડમાં અનધિકૃત રીતે આલ્કોહોલયુક્ત પીણાનું વેચાણ કરવા સબબ આઈ.પી.સી. કલમ 120 (બી), પ્રોહી. એક્ટ વિગેરે મુજબ ખંભાળિયા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જે પ્રકરણમાં તપાસની અધિકારી દ્વારા આ પ્રકરણના મુખ્ય સૂત્રધાર એવા મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના વતની અને હાલ અમદાવાદના વસ્ત્રાપુર ખાતે રહેતા ભરત ચનાભાઈ નકુમ નામના સતવારા યુવાનની ધરપકડ કરી તેના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
આ પ્રકરણની ઊંડાણપૂર્વકની તપાસમાં આરોપી શખ્સ દ્વારા અમદાવાદના ચાંગોદર ખાતે પોતાના કબજાની ફેક્ટરીમાં આ આલ્કોહોલયુક્ત પીણું તૈયાર કરી, તેને “કાલ મેઘસવા” નામની દવાની આડમાં ઉત્પાદન તથા વેચાણ કરતું હોવાનું ખુલવા પામ્યું છે. આ સ્થળેથી રૂપિયા 12.16 લાખનો 40 થી 50 જેટલી જુદી જુદી ચીજ વસ્તુઓનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. જેમાં ખાસ કરીને 840 લીટર જેટલો ઇથેનોલ (આલ્કોહોલ)નો જથ્થો મુખ્ય છે.
આરોપી શખ્સ દ્વારા પોલીસને જણાવ્યા મુજબ આલ્કોહોલ યુક્ત આયુર્વેદિક પીણું તૈયાર કરવા માટે તેના દ્વારા ઇથેનોલ કેમિકલ (આલ્કોહોલ), સિટ્રિક એસિડ, સ્વીટનર, ફ્લેવર (ફ્રુટ બિયર)ને પાણીમાં ભેળવીને તે તૈયાર કરતો હોવાનું અને તેના દ્વારા આ સેલ્ફ જનરેટેડ આલ્કોહોલયુક્ત આયુર્વેદિક દવા સ્થાનિક મશીનરી મારફતે બોટલિંગ કરી તેનું સૌરાષ્ટ્ર કચ્છ, અમદાવાદ સહિતના વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રકારના બિલો બનાવી અને માર્કેટિંગ તથા વેચાણ કરવામાં આવતું હોવાનું જાહેર થયું છે.
સીરપના વેચાણ માટે ઉપયોગમાં લેવામાં આવતા બિલમાં જીએસટી નંબર પણ ખોટા હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રકરણમાં મુખ્ય આરોપી ભરત ચનાભાઈ નકુમ (રહે. વસ્ત્રાપુર, અમદાવાદ) સાથે ખંભાળિયામાં રહેતા વેપારી ચિરાગ લીલાધરભાઈ થોભાણી અને અમદાવાદના રમેશ ભોપાભાઈ ખરગીયા નામના શખ્સોની અટકાયત કરવામાં આવી છે.
આ પ્રકરણમાં પોલીસે કુલ રૂપિયા 10,84,273 ની કિંમતની 7,273 બોટલ નશાયુક્ત પીણું, રૂપિયા 84 હજારની કિંમતનો 840 લિટર ઇથેનોલ કેમિકલ, રૂપિયા એક લાખની કિંમતનું 1,000 લીટર તૈયાર મિશ્રણ, રૂપિયા 74,760 ની કિંમતના અન્ય રો-મટીરીયલ તેમજ રૂ. 5.89 લાખની કિંમતના લેપટોપ, ગેસ સિલિન્ડર વિગેરે મુદ્દામાલ સાથે રૂપિયા ત્રણ લાખની કિંમતનો આઈસર ટ્રક મળી, કુલ રૂપિયા 21,12,270 નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણમાં પોલીસે ખંભાળિયાના વેપારી ચિરાગ થોભાણી તેમજ રમેશ ભોપા ખરગીયાની વિધિવત રીતે ધરપકડ કરી, આવતીકાલે તેને અહીંની કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલ, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, ખંભાળિયાના પી.એસ.આઈ. એન.એચ. જોશી, એ.બી. જાડેજા સાથે શક્તિસિંહ જાડેજા, પ્રવીણભાઈ ગોજીયા, દિપકભાઈ રાવલિયા, ખીમભાઈ કરમુર, વિપુલભાઈ ડાંગર, સહદેવસિંહ જાડેજા, જેસલસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, વિગેરે દ્વારા કરવામાં આવી હતી.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular