જામનગર તાલુકાના બેડ ગામ નજીક આવેલી નદીમાંથી એક પછી એક બે દિવસે બે વ્યક્તિઓના ડૂબી જવાથી મોત નિપજ્યાના બનાવમાં પોલીસે મૃતદેહોનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના સિક્કા ગામમાં ભગવાની સોસાયટીમાં રહેતો પ્રેમજીભાઇ બચુભાઇ સોલંકી (ઉ.વ.48) નામનો યુવાન બેડ ગામની નદીમાં માછીમારી કરવા માટે ગયો હતો. તે દરમિયાન કોઇપણ કારણસર નદીના પાણીમાં ડૂબી જતાં મોત નિપજ્યું હતું. બનાવની જાણના આધરે ફાયર ટીમે સ્થળ પર પહોંચી જઇ નદીમાંથી યુવાનના મૃતદેહને બહાર કાઢી પોલીસને સોંપી આપ્યો હતો. જેના આધારે પોલીસે મૃતકના પત્નિ ભાવનાબેન દ્વારા કરાયેલી ઓળખના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ મંગળવારે બપોરના સમયે લાલપુર તાલુકાના પડાણા ગામમાં રહેતા રમેશભાઇ રામજીભાઇ ચૌહાણ (ઉ.વ.58) નામના પ્રૌઢનું બેડ ગામની નદીના પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. બનાવની જાણના આધારે ફાયર ટીમે મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપી આપ્યો હતો. જેથી હેકો. સી.ડી. ગાંભવા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી અમૃતલાલ ચાંવના નિવેદનને આધારે પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.