જામનગરમાં વર્ક ફ્રોમ હોમ માટે ટેલીગ્રામમાં ફેક ગુ્રપ બનાવી લોકો સાથે છેતરપિંડી કરનાર ગેંગના વધુ એક શખ્સને જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ગોંડલથી ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરમાં ટેલીગ્રામમાં વર્કફ્રોમ હોમ માટે ફેક ગુ્રપ બનાવી તેના માધ્યમથી ફેક મુવી રેટીંગ એપસાઈડમાં રેટીંગ આપી ઘર બેઠાં વધુ પ્રોફીટ મેળવવાનું જણાવી ફેક વેબસાઈડમાં લોગઈન કરાવી ઓટીપી પાસવર્ડ સેટ કરાવી ફરિયાદી પાસેથી વધુ ટિકિટની ખરીદી કરાવી તેમાં રેટીંગ અપાવવાના નામે પૈસા જમા કરાવી રૂપિયા પરત મેળવવા માટે સરચાર્જ ભરાવાના નામે વધુ રકમની માંગણી કરી છેતરપિંડી કરાતી હોવાની ફરિયાદ સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી.
ફરિયાદના આધારે નાયબ પોલીસ અધિક્ષક જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ સાઇબર ક્રાઇમના પીઆઇ પી.પી. ઝાની ટીમ તપાસમાં હતી. જામનગર સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના એલ.આર.પીસી વી.કી. ઝાલા દ્વારા હાથ ધરાયેલ ટેકનિકલ તપાસમાં આરોપીના લોકેશન રાજકોટ, ગોંડલ ખાતેના આવતા હોય સાઇબર ક્રાઇમની વિશેષ ટીમના હે.કો. પ્રણવભાઇ વસરા, પો.કો. રાજેશભાઇ પરમાર તથા એલઆર પીસી વી.કી. ઝાલા દ્વારા આરોપીની ટેકનિકલ સર્વેલન્સ માહિતી મેળવી સુઝન દિનેશ રૈયાણી નામના શખ્સની ગોંડલ ખાતેથી ઝડપી લીધો હતો અને આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની તપાસ હાથ ધરી હતી.
તેમજ કોઇ વ્યકિત લોભ, લાલચ કે કમિશનના નામે કાંઇપણ માંગે તો કમિશન ઉપર બેંક એકાઉન્ટ ખોલી આપવા નહીં અને ખોટી પેઢી બનાવી અન્ય આરોપીઓની મદદ ન કરવા સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા પ્રજાને અપીલ કરવામાં આવી છે.