દ્વારકા નજીક આવેલી ખાનગી કંપનીમાં કેટલાક શખ્સોને અનધિકૃત રીતે પ્રવેશ કરી, કંપનીના પ્લાન્ટમાં મોબાઈલ રેકોર્ડિંગ કરવા ઉપરાંત ફરજ પર રહેલા કર્મચારીઓને ગાળો ભાંડી, ફડાકા ઝીંકી દઈને મારી નાખવાની ધમકી આપતા આ સમગ્ર બનાવ અંગે સ્થાનિક પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતો ભાયા વેરશી લુણા નામનો શખ્સ થોડા દિવસ પૂર્વે દ્વારકાથી આશરે 38 કિલોમીટર દૂર આવેલી આર.એસ.પી.એલ. (ઘડી) કંપનીમાં સ્થિત કંપની માટે સલામતીની દ્રષ્ટિએ મહત્વની એવી અને પ્રતિબંધિત એફ્લ્યુટ પોન્ડ પાસે આવી અને અનઅધિકૃત રીતે પોતાના મોબાઈલ ફોનમાં વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવતું હતું.
આ વિડીયો રેકોર્ડિંગ કરવા માટે કંપની કર્મચારી રોશન રાઘવેન્દ્રકુમાર મિશ્રા દ્વારા ના પાડતા આરોપી ભાયા વેરશી લુણા તથા સાથે રહેલા અન્ય ચાર અજાણ્યા શખ્સોએ એક સંપ કરી ગેરકાયદેસર રીતે મંડળી રચીને ઉશ્કેરાઈને ફરિયાદી રોશન મિશ્રા તેમજ તેમની સાથે રહેલા અન્ય કર્મચારીઓને બિભત્સ ગાળો કાઢી, ઝપાઝપી કરી હતી. આટલું જ નહીં, આરોપીઓએ ફરજ પર રહેલા કંપની કર્મચારીને ફડાકા ઝીંકી દઈ અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું રોશન રાઘવેન્દ્રકુમારની પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા પોલીસે ચાર અજાણ્યા સહિત પાંચેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2), 143, 147, 149 તથા 447 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ દ્વારકાના પી.એસ.આઈ. આર.એચ. સુવા દ્વારા હાથ ધરવામાં આવી છે.