ખંભાળિયા તાલુકાના સલાયા ગામે કસ્ટમ ઓફિસની સામે રહેતા અબ્દુલ્લા જાકુબ કારા નામના શખ્સના રહેણાંક મકાનમાં પીજીવીસીએલના અધિકારીઓએ ગત તારીખ 10 મે 2022 ના રોજ ચેકિંગ કરતા તેના રહેણાંક મકાનમાં કોઈ પણ પ્રકારનું કાયદેસરનું વીજ કનેક્શન ન હતું. તેમ છતાં પણ આ આસામી દ્વારા તેના ઘરની બાજુમાંથી પસાર થતા વીજપોલમાંથી અનઅધિકૃત રીતે લંગરીયા મારફતે વીજ લાઈન મેળવી લેવામાં આવી હતી.
આ રીતે કરવામાં આવેલી વીજચોરી સંદર્ભે પીજીવીસીએલ દ્વારા જરૂરી પેપર પ્રોસીઝર બાદ આરોપી અબ્દુલા કારાને રૂપિયા 6,57,604 નું બિલ ફટકાવામાં આવ્યું હતું. અને આરોપી ઉપર વીજચોરીનો હાલનો આ બીજી વખતનો કેસ હોવા સંદર્ભે વીજ અધિકારીઓ દ્વારા તેની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ અંગેનો કેસ ખંભાળિયાની સેશન્સ અદાલતમાં ચાલી જતા અહીંના સરકારી વકીલ કે.સી. દવે દ્વારા કરવામાં આવેલી વિવિધ દલીલોને ધ્યાને લઈ, નામદાર અદાલતે આરોપી અબ્દુલ્લા જાકુબ કારાને આ પ્રકરણમાં ત્રણ ગણી રકમનો દંડ એટલે કે રૂપિયા 19 લાખથી વધુનો રોકડ દંડ ઉપરાંત ત્રણ વર્ષની જેલની સજાનો હુકમ ફટકાર્યો છે.