મીઠાપુરમાં લેબર કોલોનીમાં પ્રૌઢને હૃદયરોગનો હુમલો આવતાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. આરંભડા વિસ્તારમાં રહેતાં યુવાનને વિજશોક લાગતાં મૃત્યુ નિપજ્યું હતું. બંને બનાવ અંગે પોલીસ દ્વારા અકસ્માતે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ પ્રથમ બનાવ ઝારખંડ રાજ્યના ગઢવા જિલ્લાના રમના તાલુકામાં રહેતાં જય મહાવીર રામ (ઉ.વ.45) નામના પ્રૌઢને મીઠાપુરમાં આવેલી લેબર કોલોની ખાતે છાતીમાં દુ:ખાવો ઉપડતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું હોવાની મીઠાપુર પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવવામાં આવી છે.
બીજો બનાવ ઓખા મંડળના આરંભડા સીમ વિસ્તારમાં રહેતાં મુકેશભાઇ સુરેશભાઇ ચાનપા (ઉ.વ.27) નામના યુવાન લોખંડની પ્લેટ લોખંડના સળિયા વડે ઉપાડતાં હોય આ દરમિયાન વિજ શોક લાગતાં તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે આશિષભાઇ મોહનભાઇ ઘેડીયાએ ઓખા મરીન પોલીસને જાણ કરતાં પોલીસ દ્વારા મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.