ઓખા મંડળના પોશીત્રા ગામમાં ગઈકાલે ગુરુવારે હાથ ધરવામાં આવેલ આયોજન અંતર્ગત પોશીત્રા ગ્રામ પંચાયત ખાતે પોલીસ તંત્ર દ્વારા પોલીસ વિભાગ, રેવન્યુ અને વહીવટી તંત્રના સંયુક્ત લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળના છેવાડાનું એવું પોશિત્રા ગામ દરિયા કિનારાનું છેવાડાનું ગામ હોવાથી અમુક પોલીસ કાર્યવાહી દરમ્યાન લોકોના વણઉકેલ્યા પ્રશ્નો ધ્યાને આવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલિસ વડા નિતેશ પાંડેયની સૂચનાથી ડી.વાય.એસ.પી. સમીર સારડા અને પીએસઆઈ વાંઝાએ પહેલ કરીને જિલ્લા સૌ પ્રથમ વખત સી.પી.આઈ. આર.બી. સોલંકી તથા દ્વારકાના મામલતદાર વી.આર. વરુ, તાલુકા વિકાસ અધિકારી કે.વી. સેરઠીયા, મનરેગાના અધિકારી રૂપસિંહ માણેક તથા ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં સંયુંકત લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ લોક દરબારમાં અલગ અલગ વિભાગને લગતા નાના-મોટા પ્રશ્ર્નોની રજૂઆત સાંભળવામાં આવી હતી. જેના નિકાલ અંગે યોગ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી તકે આ પ્રશ્ર્નોના નિરાકરણ અંગે ખાતરી આપવામાં આવી હતી. ટી.ડી.ઓ. તરફથી ભવિષ્યમાં થનારા કામોની જાણકારી આપવામાં આવી હતી. મામલતદાર દ્વારા સરકારી કાર્યવાહીમાં પડતી મુશ્કેલી નિવારવા મદદ કરવાની ખાત્રી આપવામાં આવી હતી. ડી.વાય.એસ.પી. સારડા દ્વારા કાયદો વ્યવસ્થાને લગતા પ્રશ્નો તથા અનુજાતિને સ્પર્શતા પ્રશ્ર્નોની ચર્ચા કરવામાં આવી હતી. ગામમાં ભાઈચારો અને સુખાકારી જળવાઇ રહે તે માટે ઉદાહરણ સાથે વાતચીત કરવામાં આવી હતી.
ગ્રામજનો અને વિદ્યાર્થીઓને ટુરિઝમ ડેવલમેન્ટ કરવા માટે ટેકનોલજીનો ઉપયોગ કરવાની સમજણ આપવામાં આવી હતી. સાથે ભૌતિક પ્રયોગનું ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ વચ્ચે રૂબરૂમાં નિદર્શન કરીને બીડી તમાકુ વિગેરે જેવા વ્યસનોથી થતા નુકશાન અને વ્યથા અંગે સમજ આપી, ગ્રામજનોને વ્યસન મુક્તિ માટે અપીલ કરવામાં આવી હતી. ત્યારબાદ આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ લોક દરબારમાં સ્થાનિક આગેવાનો સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો ભાઈઓ-બહેનો જોડાયા હતા.