જગત મંદિર દ્વારકા ખાતે ગઈકાલે બુધવારે વડોદરા વિસ્તારમાંથી આવેલા પ્રજ્ઞાચક્ષુઓએ ખાસ મુલાકાત લઈ અને કાળિયા ઠાકોરના મનોમન દર્શન કરી, ધન્યતા અનુભવી હતી.
વડોદરા કપડવંજ વિસ્તારમાં સેવા સંસ્થાના સહયોગથી બુધવારે દેવભૂમિ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના સાનિધ્ય માટે ખાસ ટીમનું આગમન થયું હતું. કપડવંજ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નીતિનભાઈ પટેલ દ્વારા આયોજિત આ સેવા કાર્યમાં 39 જેટલા પ્રજ્ઞાચક્ષુ મહિલાઓ તેમજ પુરુષો તથા તેમની સાથે આવેલા 10 એટેન્ડન્ટ દ્વારા દ્વારકાધીશ મંદિરની ખાસ મુલાકાત લેવામાં આવી હતી.
મંદિર સુરક્ષાના ડીવાયએસપી સમીર સારડાના સીધા માર્ગદર્શન હેઠળ દ્વારકાધીશ મંદિરે આવેલા આ પ્રજ્ઞાચક્ષુ મહિલાઓ તથા પુરુષો માટે સ્થાનિક સ્ટાફ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં મંદિરના દર્શન દરમિયાન પૂજારી પ્રણવભાઈ તથા હાર્દિકભાઈએ પ્રજ્ઞાચક્ષુઓને ભગવાન દ્વારકાધીશના શ્રીંગારનું વર્ણન કરી શ્રીજીનું મહત્વ જણાવ્યું હતું. જે જાણી અને પ્રથમ વખત અત્રે આવેલા આ પ્રજ્ઞાચક્ષુઓએ ધન્યતા અનુભવી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીની વિનંતીથી પ્રજ્ઞાચક્ષુ યાત્રાળુઓને દર્શન સહિતની વ્યવસ્થા માટે પી.એસ.આઈ. શક્તિસિંહ ઝાલા, એ.એસ.આઈ. અજીતસિંહ જાડેજા, કુલદીપ ખુમાણ તેમજ દેવસ્થાન સમિતિ તરફથી કમલેશભાઈ શાહ અને જયેશભાઈ દ્વારા અલાયદી વ્યવસ્થા સાથે નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી.