ધ્રોલ તાલુકાના જાયવા ગામના પાટીયા નજીકથી બાઈક પર પસાર થતા ખેતમજૂર યુવાનના બાઈકને પૂરઝડપે રાજકોટ તરફથી આવી રહેલી કારે ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, મધ્યપ્રદેશના વતની અને મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ખેરવા ગામના વાડી વિસ્તારમાં ખેતમજૂરી કામ કરતો પાંગલિયા ઉર્ફે પાંગરો જોરાવરભાઈ વસુમીયા નામનો ખેતમજૂર ગત તા.03 ના રોજ રાત્રિના 10 વાગ્યાના અરસામાં તેના જીજે-10-જે-5948 નંબરના બાઈક પર ધ્રોલ તાલુકાના જાયવા ગામ તરફ જવા માટે રોડ ક્રોસ કરતો હતો ત્યારે રાજકોટ તરફથી પૂરઝડપે આવી રહેલી જીજે-10-સીએન-6594 નંબરની કારના ચાલકે બાઈકને ઠોકર મારી હડફેટે લેતા યુવાનના માથામાં તથા કપાળમાં અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ત્યારબાદ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકની પત્ની કાલીબેન દ્વારા જાણ કરાતા પીએસઆઇ પી.જી.પનારા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.