ગુજરાતમાં લગભગ તમામ તાલુકાઓમાં શ્રીકાર વર્ષાને પરિણામે રાજ્યમાં તા. 03 જુલાઈએ સવારે આઠ કલાકની સ્થિતિએ કુલ 206 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 38.61 ટકા પાણીનાં જથ્થાનો સંગ્રહ થયો છે. ગત વર્ષે આ સમયે 37.16 ટકા સામે આ વર્ષે 44.38 ટકા જળાશયો ભરાયા છે તેમ, સ્ટેટ ફ્લડ ક્ધટ્રોલ સેલ, ગાંધીનગરના અહેવાલમાં જણાવાયું છે.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ-જળાશયમાં કુલ સંગ્રહ શક્તિના 55.17 ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. જયારે ગુજરાતના 19 જળાશયો 100 ટકાથી વધુ એટલે સંપૂર્ણ છલકાયા છે. 29 જળાશયોમાં 70 ટકાથી 100 ટકા, 25 જળાશયો 50 થી 70 ટકા તેમજ 54 જળાશયો 25 થી 50 ટકા વચ્ચે ભરાયા છે.
રાજ્યમાં 100 ટકા એટલે કે સંપૂર્ણ છલકાયા હોય તેવા જળાશયોમાં અમરેલી જિલ્લાનું મુંજીયાસર, ધાતરવાડી, વાડિયા, સંક્રોલી, સુરજવાડી, ગીર સોમનાથનું મચ્છુન્દ્રિ, જુનાગઢનું ઉબેન, હસનપુર, મોટા ગુજેરીયા, રાજકોટનું મોજ, સોદવદર, કચ્છનું કંકાવટિ, ગજાનસર, કાલાગોગા અને ડોન, જામનગરનું વઘાડીયા, સપાડા અને રૂપારેલ તેમજ તાપી જિલ્લાના ડોસવાડા જળાશયનો સમાવેશ થાય છે તેમ, અહેવાલમાં જણાવાયું છે.
આ સિવાય હાલમાં ઉતર ગુજરાતના કુલ 15 જળાશયો 48.72 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયો 30.89 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયો 35.39 ટકા, કચ્છના 20 જળાશયો 50.95 ટકા, તેમજ સૌરાષ્ટ્રના કુલ-141 જળાશયોમાં 47.18 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયો છે. રાજ્યના દૈનિક 5000થી વધુ કયુસેક પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં 43,076 કયુસેક, દમણગંગામાં 6,872 અને હિરણ-2માં 5,199 કયુસેક પાણીનો સમાવેશ થાય છે તેમ, ફ્લડ ક્ધટ્રોલ સેલના અહેવાલમાં જણાવાયું છે.