ગાંધીનગર નજીક આવેલાં ગિફટ સીટીમાં આજથી ગિફટ નીફટીના ટ્રેડિંગનો પ્રારંભ થયો છે. ગિફટ નીફટીએ એસજીએકસ નિફટીનું સ્થાન લીધું છે. અગાઉ સિંગાપુરથી ટ્રેડ થતી એસજીએકસ નિફટી હવે ગિફટ સીટીમાં ગિફટ નીફટી સ્વરૂપે ટ્રેડ થશે. આ સાથે જ ભારતીય શેરબજારમાં પણ આજે તોફાની તેજી જોવા મળી રહી છે. તેજીનો આખલો ભૂરાયો થયો હોય તેમ સેન્સેકસે 65,000નું લેવલ અને નિફટીએ 19,300ની સપાટી વટાવી દીધી હતી. બન્ને ઇન્ડેકસ તેની સર્વોચ્ચ ઉચાઇએ ટ્રેડ કરી રહયા છે.
આજે શેરબજારમાં ભારે તેજી જોવા મળી રહી છે. જો કે આ ધમાકેદાર તેજીના સંકેત પ્રી-ઓપનિંગમાં જ મળ્યા હતા. માર્કેટના પ્રી-ઓપનિંગમાં નિફ્ટી રેકોર્ડ હાઈ પર પહોંચી ગઈ હતી અને બેન્ક નિફ્ટી પણ રેકોર્ડ હાઈ પર ટ્રેડ થઈ રહી છે. શેરબજાર સતત ત્રીજા દિવસે રેકોર્ડ ઉંચી સપાટીને સ્પર્શી રહ્યું છે.
નિફ્ટીએ પ્રથમ વખત સપાટી 19250ને પાર કરી છે અને બેન્ક નિફ્ટીએ પ્રથમ વખત 45,000ની સપાટી પાર કરી છે. પ્રથમ વખત સેન્સેક્સ 65,000ને પાર કરીને નવી ઊંચાઈએ ટ્રેડ થઈ રહ્યો છે. સમાચાર લખાવા સુધી સેન્સેક્સમાં 480 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો.
સેન્સેક્સે પ્રથમ વખત 65,000ની ઓલટાઇમ હાઈ સપાટીને પાર કરી છે, જે રેકોર્ડ રોકાણકારો માટે તે ખૂબ જ આનંદની સંકેત દર્શાવે છે. તે જ સમયે, બેંક નિફ્ટી પણ 45,000ને વટાવીને નવી ટોચને સ્પર્શી ગઈ છે અને બેંક નિફ્ટી હેઠળના મોટાભાગના બેંક શેરો ઝડપી ટ્રેડ કરી રહ્યા છે.
બજાર ખુલ્યાની 10 મિનિટમાં જ ઇજઊ સેન્સેક્સ 358.69 પોઈન્ટના વધારા સાથે 65,077.25 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેક્સના 30માંથી 20 શેરોમાં તેજી સાથે આગળ વધતા જોવા મળી રહ્યો છે અને 10 શેરોમાં ઘટાડો નોંધાયો છે. જો કે, વધતા શેરોમાં અલ્ટ્રાટેક સિમેન્ટ ટોચ પર છે. જે 2 ટકાથી વધુના વધારા સાથે ટ્રેડ કરી રહી છે.