કાલાવડ તાલુકાના હરીપરથી બાદનપર તરફ જવાના માર્ગ પર આવેલી બે કંપનીઓમાં અજાણ્યા તસ્કરોએ ત્રાટકીને બારીની ગ્રીલ તોડી ટેબલના ખાનામાંથી રૂા.30,880 ની રોકડ રકમ ચોરી કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, રાજકોટમાં મવડીમાં રહેતા નિરવભાઈ બાલધા નામના યુવાનની કાલાવડ તાલુકાના હરીપરથી બાદનપર જવાના માર્ગ પર આવેલા વ્રજ કેટલ ફીડ પ્રા.લી. માં ગત તા.1 ના રાત્રિના સમયે અજાણ્યા તસ્કરો ત્રાટકયા હતાં અને ઓફિસની બારીની ગ્રીલ તોડી ઓફિસમાં પ્રવેશ કરી ટેબલના ખાનામાંથી રૂા.15,000 ની રોકડ રકમ ચોરી કરી ગયા હતાં તેમજ બાજુમાં આવેલ શ્રી બાલકૃષ્ણ બાયો એનર્જી નામની કંપનીની ઓફિસની બારીની ગ્રીલ તોડી ઓફિસમાંથી ટેબલના ખાનાના લોક તોડી રૂા.15,880 ની રોકડ રકમની ચોરી કરી ગયા હતાં. ચોરી અંગેની જાણ કરાતા હેકો જે.એચ. પાગડાર તથા સ્ટાફે નિરવભાઈના નિવેદનના આધારે બે ફેકટરીમાંથી રૂા.30,880ની ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.