ધ્રોલ તાલુકાના જાલિયા માનસર ગામમાં રહેતી મહિલા તેના ઘરે રસોડામાં કબાટમાં રાખેલો ડબ્બો લેવા જતા જમણા હાથમાં સાપ કરડી જતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામનગરના ખેતીવાડી સામેના વિસ્તારમાં રહેતા યુવાનનું હૃદયરોગના હુમલો આવતા મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ પ્રથમ બનાવ ધ્રોલ તાલુકાના જાલિયા માનસર ગામમાં રહેતાં સુમાર્થીબેન ભરતભાઈ ટીલાવત (ઉ.વ.42) નામના મહિલા રવિવારે રાત્રિના સમયે તેના ઘરે રસોડામાં કબાટમાં રાખેલો ડબ્બો લેવા ગયા હતાં તે દરમિયાન જમણા હાથના કાંડા ઉપર સાપ કરડી જતા ગંભીર હાલતમાં ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેણીનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જલાજાબેન ટીલાવત દ્વારા જાણ કરાતા પીએસઆઈ પી.જી. પનારા અને સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી વધુ કાર્યવાહી આરંભી હતી.
બીજો બનાવ, જામનગર શહેરમાં ખેતીવાડી સામે આવેલા ઈન્દીરા ગાંધી શેરી નં.3 માં રહેતાં લક્ષ્મણભાઈ જશાભાઈ પરમાર (ઉ.વ.48) નામના યુવાનને રવિવારે તેના ઘરે છાતીમાં દુ:ખાવો થતા 108 એમ્બ્યુલન્સ દ્વારા જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર વિમલ દ્વારા જાણ કરાતા હેકો કે.જે. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.