કાલાવડ તાલુકાના માછરડા ગામની નદીએ માતા સાથે કપડા ધોતી યુવતી એકાએક બેશુદ્ધ થઈ જતા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. પોલીસે યુવતીના મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના માછરડા ગામમાં રહેતાં નરેન્દ્રસિંહ જાડેજાની પુત્રી મયુરીબા જાડેજા અને તેની માતા વિલાસબા રવિવારે સવારના સમયે ગામના પાદરમાં આવેલી નદીએ કપડા ધોવા ગયા હતાં અને તે દરમિયાન કપડા ધોતા સમયે મયુરીબા નરેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.19) નામની યુવતી એકાએક ચકકર આવતા બેશુધ્ધ થઈ ગઈ હતી ત્યારબાદ યુવતીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતાં ત્યાં તેણીનું મોત નિપજ્યું હોવાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ યુવરાજસિંહ દ્વારા જાણ કરાતા હેકો વી. વી. છૈયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ આરંભી હતી.