જામનગર તાલુકાના ગાગવા ગામમાં ચામુંડા માતાજીના મંદિર સામે રહેતો યુવાન બિપરજોય વાવાઝોડુ આવ્યાના દિવસે ગાયને નિરણ નાખતો હતો તે દરમિયાન વાવાઝોડાને કારણે વડલાના ઝાડનું થડ યુવાનની માથે પડતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના ગાગવા ગામમાં માતાજીના મંદિર સામે રહેતાં ગોવાળ ભીમાભાઈ આલાભાઈ કટારીયા (ઉ.વ.41) નામનો યુવાન ગત તા.15 ના રોજ બપોરના સમયે ગૌશાળાની બાજુમાં તેની ગાયોને નિરણ નાખતો હતો તે દરમિયાન અરબી સમુદ્રમાંથી સર્જાયેલા બિપરજોય વાવાઝોડામાં ભારે પવન અને વરસાદને કારણે ગૌશાળા પાસે આવેલું વડલાના મોટા ઝાડનું થડ નિરણ નાખતા ભીમાભાઈ ઉપર પડતા કમરમાં અને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી ત્યારબાદ ઈજાગ્રસ્તને સારવાર માટે નજીકની તથા ત્યારબાદ જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ભીમાભાઈનું ગુરૂવારે રાત્રિના સમયે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે પ્રવિણભાઈ બગડા દ્વારા જાણ કરાતા હેકો સી.ડી.ગાંભવા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.