બિપોરજોય વાવાઝોડાની અસરો સમગ્ર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી હતી. જેના પરિણામે પવન સાથે વરસાદ ત્રાટકતા સર્વત્ર તારાજી સર્જાઇ હતી. આવા સમયે નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતરથી લઇને વાવાઝોડાના લેન્ડફોલ પછીના બે દિવસ સુધી સતત કામગીરી કરાઇ હતી. ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ દ્વારા વાવાઝોડાના બચાવ કાર્યની પૂર્વ તૈયારીથી લઈને અંત સુધીના દરેક તબક્કે જરૂરિયાતમંદ વિસ્તારમાં તથા સ્થળાંતર કરેલા લોકોને મદદ પહોંચાડવાના કાર્યમાં લાગ્યા હતા.
આવનારી આફતને હળવી કરવા માટે તથા શક્ય તેટલી જાનહાની ટાળવા માટે મંગળવારના રોજથી જામનગર જિલ્લાના દરેક તાલુકા, ગામ અને શહેરમાં અનેક ટોળી ઓ બનાવવામાં આવી હતી. આ ટોળીના કાર્યકર્તા પોતપોતાના વિસ્તારમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં, ફૂડ પેકેટ બનાવવા અને પહોંચાડવામાં તથા વિવિધ સમાજના પ્રમુખો, ધાર્મિક ,સેવા સંસ્થાઓ નું સંપર્ક કરી લોકો માટે આશ્રય અને ભોજનની વ્યવસ્થા કરવા માટે લાગી પડ્યા હતા. વાવાઝોડા પૂર્વે અનેક સંસ્થાઓના સહયોગથી સંઘના કાર્યકર્તાઓ દ્વારા અંદાજે જામનગર શહેરમાં અંદાજે 250થી વધુ પરિવારોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા તથા તેમના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
સંઘ દ્વારા સમાજ પાસે સુકો નાસ્તો, થેપલા, સુખડી જેવી વસ્તુઓ બનાવીને પેક કરી લોકોને વિતરણ કરવા માટે સંઘ કાર્યાલય પર પહોંચાડવા માટે અપીલ કરવામાં આવેલી હતી જેના પરિણામે 2000 વધુ થેપલા, સુખડી સંઘ કાર્યાલય પર લોકો દ્વારા પહોંચતા થયા હતા.
પ્રણામી ખીજડા મંદિર ,ગુરુદ્વારા, પારસધામ દ્વારા બુંદી ગાંઠિયા, ફૂડ પેકેટ તથા બિસ્કીટોના અંદાજે 6000 જેટલા પેકેટો વિતરણ કરવા માટે સેવામાં મળ્યા હતાં. આ તમામ ફૂડ પેકેટ દ્વારકામાં ફસાયેલા લોકોને આપવામાં આવ્યા હતાં. આ માટે જામનગરથી 3 બસ દ્વારા 71 જેટલા સ્વયંસેવકો દ્વારકા તથા મીઠાપુર આરંભડા, સૂરજકરાડી આસપાસના ગામોમાં કે જ્યાં ગોઠણસમા પાણી ભરાયા હતા અને પ્રચંડ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતું. ત્યાં પહોંચીને ઘરે ઘરે લોકોને ફૂટ પેકેટ વિતરણ કરાયાહતા.
લાલપુર, ધ્રોલ, કાલાવડ અને ખંભાળિયા તાલુકામાં પણ મોટી સંખ્યામાં સ્વયંસેવકો ખડેપગે રહી માર્ગો પરથી વૃક્ષો હટાવવા, સ્થળાંતર કરવામાં તથા લોકોને ભોજન પૂરું પાડવા માટે કાર્યમાં જોડાયા હતા.