Monday, December 23, 2024
Homeરાજ્યહાલારઓનલાઈન છેતરપિંડી પ્રકરણમાં વડોદરાના બે આરોપીઓ ઝડપાયા

ઓનલાઈન છેતરપિંડી પ્રકરણમાં વડોદરાના બે આરોપીઓ ઝડપાયા

સાયબર ક્રાઇમ સેલની કાર્યવાહીમાં અન્ય વિગતો પ્રકાશમાં આવી

- Advertisement -

ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા ખાતે રહેતા અને ગેરેજ ચલાવતા જીતેન્દ્રભાઈ ધનજીભાઈ પાણખાણીયાના ક્રેડિટ કાર્ડમાં પ્રોટેક્શન પ્લાન બંધ કરાવવા માટે વોટ્સએપ કોલ મારફતે ગઠિયાઓએ ઓટીપી મેળવી અને રૂપિયા 99,000 તથા રૂપિયા 30,000 ના બે ટ્રાન્જેક્શન મારફતે કુલ રૂપિયા 1.29 લાખની રોકડ રકમ મેળવી લીધી હોવાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો.

- Advertisement -

આ ગંભીર બનાવ સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ સાયબર ક્રાઇમ સેલ વિભાગ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ આરંભવામાં આવી હતી. જિલ્લા સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા પી.આઈ. એ.વાય. બ્લોચના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી કામગીરીમાં આરોપીઓનું પગેરું મેળવવા માટે મેન્યુઅલી તથા ટેક્નિકલ સર્વેલન્સના આધારે આ નાણાકીય લેવડદેવડનો એક છેડો વડોદરા સુધી પહોંચ્યો હતો. જે અંગેના વર્કઆઉટ બાદ સાયબર ક્રાઇમ સેલ વિભાગ દ્વારા વડોદરાના વાઘોડિયા રોડ પર રહેતા રાહુલ રમેશભાઈ પરમાર (ઉ.વ. 31) અને ફતેગંજ ખાતે રહેતા મહમદ યુસુફ સૈયદ (ઉ.વ. 46) નમના બે શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં વધુ ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન આ પ્રકરણમાં ઝડપાયેલો આરોપી રાહુલ પરમાર અગાઉ હરિયાણા (ફરીદાબાદ) ખાતે પણ સાયબર ફ્રોડના ગુના સબબ જેલની હવા ખાઈ ચૂક્યો છે. જેલમાં તેની ઓળખાણ દિલ્હીના સત્યમ નામના એક શખ્સ સાથે થઈ હતી. જેથી જેલમાં બંને વચ્ચેની મિત્રતા બાદ જેલમાંથી છૂટ્યા પછી આ બંને શખ્સોએ સાયબર ક્રાઇમના ગુના આચરવાનું નક્કી કરવા કર્યું હતું. જેમાં તેઓએ એસ.બી.આઈ.નો એક ડમી કસ્ટમર કેર નંબર ગૂગલમાં મૂક્યો હતો. જેમાં આવતા ફોનના આધારે તેઓ ઓટીપી મેળવી અને ટ્રાન્જેક્શન કરી રોકડા રૂપિયા ઉપાડી લેતા હતા.
આ માટે આરોપી રાહુલ દ્વારા અન્ય આરોપી વડોદરાના મહંમદ યુસુફની મદદ લઇ અને તેના નામના એક્સિસ બેન્ક અને બેન્ક ઓફ બરોડાના બે એકાઉન્ટનો ઉપયોગ કરી, ટ્રાન્જેક્શન કરવામાં આવતું હતું. આરોપીઓ દ્વારા આ પ્રકારે કુલ રૂપિયા 10.50 લાખ જેટલું ટ્રાન્જેક્શન કરી આ પૈસા ઉપાડી લીધા હતા. જેમાં આરંભડાના યુવાનના રૂ. 1.29 લાખની છેતરપિંડી પણ ખુલવા પામી હતી.

આ પ્રકરણમાં સાયબર સેલના પી.આઈ. એ.વાય. બ્લોચ દ્વારા વધુ ઊંડાણપૂર્વકની તપાસ કરી અને વધુ ગુનાનો ભેદ ઉકેલવા માટે દિલ્હીના સત્યમ નામના શખ્સને ઝડપી લેવા માટેના ચક્રો પણ ગતિમાન કર્યા છે.

- Advertisement -

આ સમગ્ર કાર્યવાહી સાયબર સેલના પી.આઈ. બ્લોચ સાથે સીપીઆઈ ટી.સી. પટેલ, હેડ કોન્સ્ટેબલ ધરણાતભાઈ બંધીયા, મુકેશભાઈ કેસરિયા, હેમંતભાઈ કરમુર, હેભાભાઈ ચાવડા, પબુભાઈ ગઢવી, જનકભાઈ કરમુર, માનસીબેન કણજારીયા અને કાજલબેન કરમુર દ્વારા કરવામાં આવી હતી.

હાલ ટેકનોલોજીના યુગમાં વધતા જતા ઓનલાઇન ફ્રોડ સામે સાવચેતી કેળવવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા લોકોને સાવચેત રહેવા તેમજ બેંકની માહિતી માટે કોઈપણ ફોન કોલ આવે તો તેનો જવાબ નહીં આપવા અને જરૂર જણાય તો બેંકમાં રૂબરૂ જઈને માહિતી મેળવવા તથા આપવા અપીલ કરી છે. આટલું જ નહીં, ગૂગલ સર્ચ ઉપરથી મેળવેલા કોઈપણ કસ્ટમર કેરના નંબર ઉપર વિશ્વાસ નહીં કરવા તેમજ ઓટીપી, સીવીવી, ગુપ્ત પીન, વિગેરે શેર નહીં કરવા માટે અપીલ કરવામાં આવી છે. આ અંગેની જરૂર જણાય તો દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઈમ સેલ અથવા નજીકના પોલીસ મથકનો સંપર્ક સાધવા પણ વધુમાં જણાવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular