ગઇકાલે જૈનોના પ્રથમ તિર્થંકર આદિનાથ દાદાનું ચ્યવન કલ્યાણક હતું. જામનગર શહેરના ચાંદીબજારમાં આવેલા શેઠજી દેરાસરમાં મુળનાયક ભગવાન આદેવશ્ર્વર દાદા બિરાજમાન છે. જ્યાં પ.પૂ. આચાર્ય ભવંત જયસુંદરસુરિશ્ર્વરજી મહારાજાના શિષ્યરત્નો પ.પૂ. મધુર પ્રવચનકાર મુનિરાજ સુભાષિતવિજયજી મ.સા. તથા પ્રવચનકાર મુનિરાજ નંદાવ્રત વિજયજી મ.સા.ની નિશ્રામાં ગઇકાલે સવારે 6:15 કલાકે ભક્તામર સ્ત્રોત પાઠ ભણાવવામાં આવ્યા હતાં.
ત્યારબાદ સવારે 6:30 કલાકે પક્ષાલપૂજા, બરાશ, કેશર, પુષ્પ, આભુષણ પૂજાની ઘીની ઉછામણી બોલવામાં આવી હતી અને પૂજા કરવામાં આવી હતી. દરેક પૂજામાં પરિવારની 6 વ્યક્તિએ લાભ લીધો હતો. સાંજે 6 વાગ્યે આદિનાથદાદાને સોનાના વરખની આંગી કરવામાં આવી હતી. જેનો મોટી સંખ્યામાં જૈન-જૈનેતરોએ લાભ લીધો હતો. ત્યારબાદ રાત્રીના 8:30 કલાકે સંગીતકાર રાજ ફોફાણી દ્વારા ભક્તિ ભાવના (ભક્તિ સંગીત) ભણાવવામાં આવી હતી.