રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ગ્રીન કવર વધારવા અને પૃથ્વીની સંભાળ રાખવા માટે એક સમુદાય-સંચાલિત પર્યાવરણ અભિયાન ’પ્લાન્ટ4લાઇફ’ તા. 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગ રૂપે જામનગર ખાતેની રિફાઈનરી દ્વારા ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શનમાં સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે જિલ્લામાં 15000 વૃક્ષો રોપીને તેનો ઉછેર કરવાનું બીડું ઝડપવામાં આવ્યું છે.
સોમવારે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે જિલ્લાના સિક્કા તથા આઈ.એન.એસ.વાલસુરા ખાતે વૃક્ષારોપણ દ્વારા આ અભિયાનનો પ્રારંભ કરાયો હતો. સિક્કા ખાતે ગ્રામજનો અને વાલસુરા ખાતે કમાન્ડીંગ ઓફીસર, અધિકારીઓ, નૌસેનાના જવાનો અને તેમના પરિવારજનોને પર્યાવરણ સંરક્ષણ અને સુરક્ષામાં સહભાગિતાના આ અભિયાનમાં સાંકળીને લીમડો, પીપળો, ગુલમહોર, સેવન, સપ્તપર્ણી, શરુ જેવાં વૃક્ષો રોપવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, વર્ષોથી રિલાયન્સે કુદરતી સંસાધન વ્યવસ્થાપન અને વૃક્ષારોપણ સહિતની વિવિધ પર્યાવરણ સંરક્ષણ પહેલોને સમર્થન આપ્યું છે. આજની તારીખે રિલાયન્સે સમગ્ર દેશમાં 2.39 કરોડથી વધુ રોપાઓનું વાવેતર કર્યું છે.
‘પ્લાન્ટ4લાઇફ’ અભિયાનનો ઉદ્દેશ્ય કર્મચારીઓને પૃથ્વીનું જતન કરવા માટેના પ્રયાસોને આગળ વધારવા માટે એકત્ર કરવાનો છે અને ભારતના વડાપ્રધાન દ્વારા પર્યાવરણના રક્ષણ અને જાળવણી માટે વ્યક્તિગત અને સામુદાયિક પગલાંને આગળ ધપાવવા માટેના જન અભિયાન માટે શરૂ કરાયેલા લાઇફ કેમ્પેન મિશનને ઉત્તેજન પૂરું પાડે છે.