દેશમાં સંસદની નવી ઇમારતના ઉદ્ધાટનનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આ અંગે એક જાહેર હિતની અરજી (પીઆઇએલ) થઇ છે. જેમાં દેશના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ઇમારતના ઉદ્ઘાટન માટે લોકસભા સેક્રેટેરિએટને નિર્દેશ આપવાની માગણી કરાઇ છે. આ અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે શુક્રવારે સુનાવણી કરવામાં આવશે.
પિટીશનમાં જણાયું છે કે પ્રતિવાદીઓ લોકસભા સેક્રેટેરિએટ અને યુનિયન ઓફ ઇન્ડિયા તેમને ઉદ્ઘાટન માટે આમંત્રણ નહિ આપીને રાષ્ટ્રપતિનું અપમાન કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજે સંસદની નવી ઇમારતનું ઉદ્ઘાટન કરવાના છે. તે મામલે વિરોધ પક્ષોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. અનેક પક્ષો આ સમારોહનો બહિષ્કાર કરવાના છે.
એડવોકેટ જયા સુકિને ફાઇલ કરેલી જાહેર હિતની અરજીમાં 18 મેના રોજે લોકસભા સેક્રેટેરિએટે જારી કરેલા નિવેદનનો વિરોધ કરાયો છે. નવા સંસદના ઉદ્ધાટન અંગે સેક્રેટરી જનરલ, લોકસભાએ જારી કરેલું આમંત્રણ બંધારણનો ભંગ છે તેવું પીઆઇએલમાં કહેવાયું છે. નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ મુર્મુ દ્વારા કરવાનો સુપ્રીમ કોર્ટ નિર્દેશ જારી કરે તેવી માગણી સાથે આ પીઆઇએલમાં ઉમેરાયું છે કે ‘રાષ્ટ્રપતિ ભારતના પ્રથમ નાગરિક છે અને સંસદના સંસ્થાના વડા છે.’
લોકસભાના સ્પીકર ઓમ બિરલા તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને તેમને નવી ઇમારતનું ઉદ્ધાટન કરવા આમંત્રણ આપ્યું હતું. ઉલ્લેખનિય છે કે મોદીએ જ 2020માં ઇમારતના પાયાનો પથ્થર નાખ્યો હતો અને તે વખતે મોટાભાગના વિરોધ પક્ષો એ ઇવેન્ટમાં હાજર રહેવાથી દૂર રહ્યા હતા.અરજીમાં નોંધ્યું છે કે ‘બંધારણ મુજબ, સંસદમાં ભારતના રાષ્ટ્રપતિ અને બે ગૃહોનો સમાવેશ થાય છે. બંધારણની કલમ 79માં પણ આનો જ ઉલ્લેખ છે. પરંતુ પ્રતિવાદીઓ ભારતીય બંધારણનું પાલન કરી રહ્યા નથી.’બંધારણના આર્ટિકલ 79નો ઉલ્લેખ કરતાં અરજીમાં ઉમેરાયું છે કે રાષ્ટ્રપતિ લોકશાહીના સંસદીય સ્વરૂપનું અભિન્ન અંગ છે અને તેથી જ આ દેશની લોકશાહીને બચાવવા માટે સુપ્રીમ કોર્ટની દરમિયાનગીરી જરૂરી છે. પીઆઇએલમાં ઉમેરાયું છે કે ‘વધુમાં આર્ટિકલ 87માં જણાવાયું છે કે દરેક સંસદીય સત્રના પ્રારંભમાં રાષ્ટ્રપતિ સંસદના બન્ને ગૃહોનું સંબોધન કરે છે અને સંસદના તેના હેતુઓ અંગે માહિતી આપે છે. પરંતુ પ્રતિવાદીઓ (લોકસભા સેક્રેટેરિએટ અને યુનિયન ઓફ ઇન્ડિયા) રાષ્ટ્રપતિનું અપમાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ મુર્મુને સંસદની નવી ઇમારતના ઉદ્ધાટન માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી.’