જામનગર શહેરના ગુલાબનગર મેઈન ઢાળિયા પાસે આવેલી હોટલ નજીક યુવાન અને તેના પિતા ઉપર પૂર્વ પત્નીના કાકાજી સહિતના પાંચ શખ્સોએ એકસંપ કરી સ્કોર્પિયો કારમાં આવી લાકડાના ધોકા, છરી અને લોખંડના પાઈપ વડે હુમલો કરતા પિતા-પુત્ર ગંભીર રીતે ઘવાયા હતાં. ઘવાયેલા પિતા-પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં પોલીસે પાંચ શખ્સો વિરૂધ્ધ રાયોટીંગ અને હુમલાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ગુલાબનગર પેટ્રોલ પંપ પાછળ આવેલા રાધે ક્રિષ્ના પાકમાં રહેતાં સોયબ રફિકભાઈ ખીરા નામના ડ્રાઈવિંગ કરતા યુવાનની પૂર્વ પત્ની હીરમ તેની હાલની પત્ની નસીમ સાથે ફોન કરી બોલાચાલી કરતી. જે સંદર્ભે સોયબે તેના પૂર્વ કાકાજી સસરા અને હીરમના કાકા યાસીન જેમલાણીને તેની પૂર્વ પત્નીને સમજાવવાનું કહ્યું હતું. આ બાબતનો ખાર રાખી રવિવારે બપોરના સમયે ગુલાબનગર મેઈન ઢાળિયા આવેલી હોટલ નજીક કાળા કલરની સ્કોર્પિયો કારમાં આવીને યાસિન જેમલાણી, અબ્બાસ જેમલાણી, અનિશ જેમલાણી, આદમ જેમલાણી અને અવેશ જેમલાણી નામના પાંચ શખ્સોએ સોયબને અપશબ્દો બોલી લાકડાના ધોકા વડે હુમલો કરતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તેમજ છરી વડે ખંભામાં એક ઘા ઝીંકયો હતો તથા લાકડાના ધોકા અને ઢીકાપાટુનો માર મારતા હતાં ત્યારે સોયબને બચાવવા તેનો ભાઈ અફતર અને પિતા રફિકભાઈ વચ્ચે પડતા પાંચ શખ્સોએ અફતર અને રફિકભાઈ ઉપર પાઈપ વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી.
પાંચ શખ્સો દ્વારા કરાયેલા હુમલામાં પિતા અને બે પુત્રોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ એસ.વી. સામાણી તથા સ્ટાફે સોયબભાઈના નિવેદનના આધારે તેના પૂર્વ કાકાજી સસરા સહિતના પાંચ શખ્સો વિરૂધ્ધ રાયોટીંગ અને હુમલાનો ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.