જોડિયા તાલુકાના મોરાણા ગામના વાડી વિસ્તારમાં ખેતમજૂરી કામ કરતી મહિલાનું રહસ્યમય મોતના બનાવમાં તપાસ દરમિયાન તેણીના પતિએ જ પત્નીની હત્યા નિપજાવી અંતિમ ક્રિયા કરે તે પહેલાં જ પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ રિપોર્ટના આધારે હત્યાનો ગુનો નોંધી પતિની ધરપકડ કરી હતી.
બનાવની વિગત મુજબ, જોડિયા તાલુકાના મોરાણા ગામના સીમ વિસ્તારમાં જેતાભાઇના ખેતરમાં મજૂરીકામ કરતા આદિવાસી રાકેશ બદ્રી દેવદા નામના યુવાનની પત્ની ચંદુબેન (ઉ.વ.25) નામની મહિલાનું ગત તા.11 ના રોજ ખેતરમાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે જોડિયા પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી તપાસ આરંભી હતી. દરમિયાન પતિ રાકેશ તેની પત્ની ચંદુબેનના મૃતદેહને તેના વતનમાં લઇ ગયો હતો. જોડિયા પોલીસે મધ્યપ્રદેશ પોલીસને જાણ કરી હતી. જેના આધારે મધ્યપ્રદેશ પોલીસ સમક્ષ રાકેશે તેની પત્નીને કોઇએ માર માર્યો હોવાનું જણાવતા પોલીસે શંકાના આધારે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જે રિપોર્ટમાં મહિલાનું મોત ઈજા થવાના કારણે થયું હોવાનું ખૂલ્યું હતું.
દરમિયાન જોડિયા પીએસઆઈ આર.ડી. ગોહિલ તથા સ્ટાફે મધ્યપ્રદેશ પોલીસની મદદ લઇ મધ્યપ્રદેશ સુધી તપાસ લંબાવી હતી. જેમાં પીએમ રીપોર્ટમાં માથામાં કોઇ બોથડ પદાર્થનો ઘા વાગવાથી મૃત્યુ થયાના આધારે જોડિયા પોલીસે મધ્યપ્રદેશ જઈ રાકેશને જોડિયા લઇ આવ્યાં હતા અને આખરી પૂછપરછ કરતાં રાકેશે તેની પત્ની ચંદુબેન ઉપર ચારિત્ર્ય અંગે શંકા કરી માથામાં લાકડાનો ધોકો અને પતરાનો ડબ્બો ફટકારી હત્યા નિપજાવ્યાની કેફિયત આપી હતી. જેના આધારે પોલીસે મૃતકના પિતા રાધ્યાભાઇને ધ્રાંગધ્રાના સોલડી ગામેથી જોડિયા બોલાવી તેની પુત્રીની હત્યા નિપજાવી હોવાનું જણાવતા પોલીસે મૃતકના પિતાના નિવેદનના આધારે રાકેશ વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.