દેશના ઘણાં રાજ્યોમાં તાપમાનનો પારો 40 થી 45 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. સૌથી વધુ તાપમાન ઓડિશામાં નોંધાતા શાળાઓ બંધ રાખવાની ફરજ પડી હતી. ગરમીના હાહાકારથી જનજીવનને અસર થઈ હતી. તેલંગણામાં લૂથી ચારનાં મોત થયા હતા. બિહાર, રાજસ્થાન, ઝારખંડ જેવા રાજ્યોમાં તાપમાન વધતા સરકારે ગાઈડલાઈન જાહેર કરી હતી. હવામાન વિભાગે ઓડિશા, તેલંગણા સહિતના રાજ્યો માટે યલ્લો એલર્ટ જારી કર્યો હતો. તેલંગણામાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચતા જ ગરમીએ હાહાકાર મચાવ્યો છે. લૂથી તેલંગણામાં ચારનાં મોત થયા હતા. ઓડિશામાં પણ સર્વોચ્ચ તાપમાન 44-45 ડિગ્રી સુધી નોંધાયું હતું. બારિપાડાનું તામપાન 44 હતું. રાજ્યના 25 શહેરોમાં તાપમાનનો પારો 40ને પાર પહોંચ્યો હતો. હવામાન વિભાગે યલ્લો એલર્ટ જારી કરવા ઉપરાંત સોમવારથી થોડી રાહત થશે એવી આશા વ્યક્ત કરી હતી. ભારે ગરમીના કારણે શાળાઓ બંધ રાખવાનો સરકારે આદેશ આપ્યો હતો અને લૂથી એક પણ વ્યક્તિનું મોત ન થાય તે માટે દરેક જિલ્લાના કલેક્ટરને તાકીદ કરવામાં આવી છે. બિહારમાં ઘણાં સ્થળોએ 40 ડિગ્રી તાપમાન થયું હતું. પટણામાં શાળાઓને સમય બદલીને સવારનો કરવાનો આદેશ થયો હતો. સરકારે આકરા તાપમાં બહાર ન નીકળવાની સલાહ આપી હતી અને લૂથી બચવા ગાઈડલાઈન જાહેર કરી હતી. ઝારખંડના ઘણાં શહેરોમાં હીટવેવની સ્થિતિ હતી. 40 ડિગ્રીએ શેકાયેલા ઝારખંડમાં હજુ એક સપ્તાહ સુધી કોઈ રાહત મળે એવી શક્યતા નથી. સ્કૂલે જતા બાળકોનું ખાસ ધ્યાન રાખવાની સલાહ પેરેન્ટ્સને અપાઈ હતી. સમયાંતરે પાણી પીવાની તેમ જ તડકાથી બચવાની સલાહ પણ અધિકારીઓએ આપી હતી. રાજસ્થાનના ગંગાનગરમાં રાજ્યનું સૌથી વધુ 42 ડિગ્રી તાપમાન દર્જ થયું હતું. રાજ્યના ઘણાં સ્થળોનું તાપમાન 40 આસપાસ રહેતા આકરી ગરમીનો અનુભવ થયો હતો. આગામી ચાર-પાંચ દિવસ દરમિયાન તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ઊંચો જશે એવી પણ આગાહી હવામાન વિભાગે કરી હતી. પાટનગર દિલ્હીમાં મહત્તમ તાપમાન 40 અને લઘુત્તમ તાપમાન 32 ડિગ્રી આસપાસ રહ્યું હતું. દિલ્હી સરકારે પણ શાળાઓ માટે ગાઈડલાઈન જારી કરી હતી. ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉમાં પણ ભારે ગરમીનો અનુભવ થયો હતો.